બેફિકરું

માચડો.

ક્યારેક એમ થાય દિમાગને એક જગ્યાએ ફોકસ રાખું તો એ જગ્યાને પૂરો ન્યાય
આપી શકું પણ ક્યારેક કંઇ એવું ઇન્સીપીરેશનલ જોઉં એટલે થાય કે લાવને પેલું પણ કરું..
ક્યારેક એમ થાય કે ‘અંદર’થી આવતાં તરંગો સાથે આંદોલનમાં રહે એવું કંઇક
કેનવાસ પર​ ઉતારું, ક્યારેક એમ થાય કે બસ એમ જ કેમેરામાં કંઇક ઝીલું..
ક્યારેક એમ થાય કે આ…ટલું બધું, લાયકાત બહારનું ભોગવું છું એનો માથું
નમાવી આભાર માનું, ક્યારેક એમ થાય કે મૂંગો, બેફામ રડું..
ક્યારેક માઇક્રોસોફ્ટ વર્ડનાં A4 પેઇજ
પર, ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં કંઇક ઉતારું, ક્યારેક જાહેરમાં ‘બફાટ’ કરી જશ ખાટું..
ક્યારેક કાલનાં ઓફિસનાં ચાલું દિવસે રાતનાં ચાર-ચાર વાગ્યા સુધી ફિલમ
ઉપર ફિલમ ઠબકારું, ક્યારેક કોરા રસ્તા પર 30ની સ્પીડે બાઇક લહેરાવું..
ક્યારેક એમ થાય કે પેલી સીગરેટની સટમાં જરાયે દમ નહોતો લાગ્યો, તોયે
લોકો શું ફૂંકતા રહેતાં હશે?, ક્યારેક એમ થાય કે, સોમાલીયાનાં ચાંચીયાઓ વહાણ
લૂંટે, માણસોને ગોંધે, પૈસા પડાવે એ સ્વાભાવિક છે..
ક્યારેક એમ થાય આવું વિવર માઇન્ડ, ‘ધ્રૂજતુ મગજ’ સારું નહીં, વળી
ક્યારેક એમ થાય કે મગજ જો ધ્રૂજતું ન હોય તો એવું મગજ શું કામનું!?
દોસ્ત હું તને કહું, દિમાગ એટલી ધમધમોકાર ચીજ છે કે એને ન તો બાંધી
શકાય ન તો એને છૂટ્ટુ મૂકી શકાય, ન તો એને કળી શકાય, ન તો એની સામે પડી શકાય.
દિમાગ પાસે એવું કેટલુંયે છે જે એ દિમાગ કોનું છે એનાં પર જરાયે ડીપેન્ડ
નથી કરતું. બીજી ભાષામાં કહું તો લિયોનાર્ડો વિન્ચી કે પછી રવિન્દ્રનાથ ટાગોર કે
આર્કિમિડીઝ કે પાયથાગોરસ કે પછી શ્રોડીંજર કે જેમ્સ વોટ્સ કે પછી નીટ્સે કે
કાલીદાસ…કોઇ પણ હસ્તી લઇલો એનું દિમાગ કે પછી તારું અને મારું દિમાગ કંઇ જુદા નથી.
મારા અને તારા દિમાગમાં પણ એટલી જ તડાફડી થાય છે જેટલી એનાં દિમાગમાં થતી..
એ પોતાની તડાફડીને સરફેસ ઉપર લાવ્યા અને તેં એનાં પર અસ્તર ચડાવ્યા,
ફરક માત્ર આટલો..
એને ફોડવા દે જેટલા ટેટાની સર ફોડવી હોય એટલાની, એને ધ્રૂજવા દે.. સ્ક્રૂનાં
આંટા ખૂલી, ઢીલા પડીને ખરશે ત્યારે ખબર પડશે કે સાલ્લો આ માચડો આના સિવાય બીજી
રીતે પણ બનાવી શકાય..!