આવું હોતા હશે, હંહ!

મારી સામું જોઇને મને કે..

હમણા ગયા રવીવારે સવારે આ સામેનાં મંદિરની બાજુનાં ગાર્ડનનાં જોગીંગ ટ્રેક પર દોરડા કૂદતો કૂદતો હું જોગીંગ કર્યે જતો હતો. સવારનાં સવા છ જેવું થતું હશે. આમતો એ ટ્રેક પર બધે રાઇટ ડાયરેક્શનની લાઇનનાં બોર્ડ લગાવેલાં છે એટલે જનરલી તો કોઇ ઉંધી ડાયરેક્શનમાં સામેથી નથી આવતું હોતું કેમકે આમ પણ વધારે પહોડી જગ્યા નથી એ ટ્રેકની પણ જોકે વધારે માણસો પણ નથી હોતા. અને આમ પણ આજે તો રવીવાર હતો એટલે હોય છે એમાનાં પણ આજે તો ગૂલ્લી મારી ગયેલા એટલે પાંખા-પાંખા લોકો ગાર્ડનમાં, જોગીંગ ટ્રેક પર, બેન્ચીસ પર, ગાર્ડનનાં ગેઇટ પાસે ઉભા રહેતાં કડૂકડીયાતું, કાવો અને જ્યુશ વાળાનાં ઠેલાની આસપાસ ગોઠવાયેલા હતાં.

આમ પણ હું ટોળટપ્પા કરવા કરતાં ઝડપથી થોડું વૉર્મઅપ અને એક્સરસાઇઝ કરીને ઘરે પહોંચી જવાને ઉતાવળમાં જ હોઉં છું, કેમકે છોકરાઓ તો સાહેબ મોડા આવે એની જ પ્રાર્થના કરતાં રહેતાં હોય છે અને એમાં પણ કોલેજનાં!! એટલે એ તો સાહેબ મોડા પડે એ માટે પ્રાર્થના સિવાય પણ ઘણું કરી શકે એવા હોય છે! પણ જો કે મારા સ્ટુડન્ટ્સને મારી જોડે નશીબજોગે ઘણું સારું બને છે. અને આમ પણ ટીચીંગ અને ગરમ લોહી મારો મનગમતો કોમ્બો છે!

દરરોજ સવારથી મોડી બપોર સુધી તો મારે આ ‘કોમ્બો’ સાથે જ લમણા લેવાનાં થતાં હોય છે અને સાંજથી મો….ડી સાંજ સુધી મારા ડોક્ટરેટ Ph.D. in History & Culture માટેનાં થીસીસનાં સબજેક્ટ, ‘A History of Indian Eating Uthensils’ માટેનાં કોન્ટેન્ટ કલેક્શન અને એડીટેશનમાં પડ્યો હોઉં છું. અને મોડી સાંજથી થોડી જ મોડી પણ વધારે નહીં એવી રાત સુધી એકાદી બુક વાંચી લઉં.

એટલે એવું નથી કે મને ગોસીપ, પંચાત કે ટોળટપ્પામાં રસ નથી હોં! હું પણ એ ટ્રેક પર દોડતો-દોડતો જે કંઇ ‘ઇનપુટ’ કાને પડે એને રીસીવ કરી જ લેતો હોઉં બસ એક્ટીવલી ભાગ લેવાનો સમય થોડો બચાવી લઉં.

પણ આજે કંઇક નવું થયું, ટ્રેકની સાઇડ પર હું દોરડા કૂદતાં-કૂદતાં જોગીંગ કર્યે જતો હતો ત્યારે મને મારાથી વીસેક ફૂટ દૂર એક લઘર-વઘર કલર ઉડી ગયેલા બ્લુ કલરનાં, ક્યાંક-ક્યાંક ઝીંણા કાંણા પડી ગેયેલા, ઢીલાં લેંઘા જેવો ટ્રેક સ્યૂટ પહેરીને આવતો એક માંદલા જેવો લાગતો જુવાન સામેથી આવતો દેખાયો. જો કે એ દોડતો ન’તો, ચાલતો પણ માંડ હોય એવું લાગતું હતું! પણ ટ્રેક પરની એની ડાયરેક્શન રોંગ હતી અને એટલું જ નહીં મારી જ સામે આવ્યે જતો હતો. પહેલાં લાગ્યું કે એ હમણા સામે જોશે એટલે ટ્રેક પરથી ખસી જશે કેમકે હું અને એ બંને સામ-સામે ટ્રેકની કોર પર જ આવતાં હતાં.

હવે તો હું એનાથી દસેક ફૂટ જ દૂર હતો પણ એણે એકે વખત ઉપર કે સામે પણ ન’તું જોયું. એટલે હવે ન છૂટકે મારે દોડવાની સાથે કૂદવાનું અટકાવવું પડ્યું મને જરાક ન ગમ્યું, હું ત્યાં ટ્રેકની બાજુમાં મૂકેલા લાકડાનાં ટેકાવાળા બાકડા પર મારા દોરડાની ઘડી કરતો એ માંદલાને સામેથી આવતો જોતો બેઠો. તો હવે જુવાન પણ ટ્રેક પર ખસીને એકાએક મારી બાજુમાં બાકડા પર પોતાનાં ગોઠણ પર કોણી ટેકવી, કમરેથી વળીને, માથું નીચું નાખીને બેસી ગયો.

મને થયું ભાઇ તારે ખસવું જ હતું ટ્રેક પરથી તો એક મિનીટ પહેલાં ખસી ગયો હોત તો!

એણે નમેલાં માથે જ ગરદન મારી તરફ ઘૂમાવી ત્યારે મને ખબર પડી કે ન’તો એનાં માથા પર કોઇ જાતની કસરત કર્યાનો પરસેવો હતો કે ન’તો એનો શ્વાસ કંઇક મહેનત કરવાથી ચડેલો હતો પણ જે હોય તે અત્યારે એ ત્યાં બાકડા પર નમેલો હતો!

મારી સામું જોઇને મને કે, ‘મારું નામ થાક!’