શેખચલ્લીનું એઠું

મે ગો.બ્લે.મી. (મે ગોડ બ્લેસ મી!!)

ના રે ભૈ’સાબ ના, કંઇ સૂધર્યા-બૂધર્યા નથી, આ તો વળી ન જાણે ક્યાંથી
આજે વહેલું ઉઠાય ગયું. ના, એવું પણ સાવ નથી કે અમે અલાર્મ જ નથી મૂકતાં, એમ તો અમે
પણ એલાર્મ મૂકીએ, અમારે પણ વહેલા ઉઠીને જોગીંગમાં જવું હોય છે, અમારા વસાવેલાં
ટ્રેક-સૂટને પણ વપરાવું છે, અમારા પરસેવાને પણ વહેવું છે. એટલે અમે પણ એલાર્મ
મૂકીએ પણ એમાં એવું છે કે, તારા મોબાઇલ હશે કે નહીં એ તો તને ખબર પણ મારા
મોબાઇલમાં એક વ્યવસ્થા છે, ‘સ્નૂઝ.’ સાલ્લો બનાવવાવાળો ક્યાંય નહીંને ક્યાંકથી
દૂર-સૂદૂરનો મારો ભાઇ જ થતો હોવો જોઇએ નહીં તો આવી સગવડતાં મૂકવાનો શું મતલબ!
જેવો એલાર્મ વાગે એવી દસ મિનિટ બાદ ફરીથી વાગે એવી રીતે સેટ કરેલાં
સ્નૂઝનું બટન ફટાક કરતું દબાવાય જાય. એક વખત…બે વખત…ત્રણ વખત…છ-છ વખત આ બટન
દબાયેલાનાં રેકોર્ડ બોલે છે. કબાટમાં પડેલું ટ્રેક-સૂટ રાડો પાડી-પાડીને થાકી જાય,
અંદરથી બહાર નીકળવા મથતી પરસેવાની બૂંદો રાહ જોઇ-જોઇને અડધી થઇ જાય, ચડતી જતી સવાર
મારા પર હસીને બેવડ વળી જાય પણ આ બંદાને ક્યાં કંઇ ફરક જ પડતો..
પણ આજે કરામત થઇ ગઇ. પેલું કે’ છે ને, એવરી ડોગ હેઝ અ ડે! આજે આ
બાપુડોની આંખોને આ બધી પોકારો, હાયો, હસીઓ અસર કરી ગઇ, એ ખૂલી ગઇ વહેલી-વહેલી! આ
જોઇને મારી બારીનાં પડદાઓ તો આમથી તેમ મંડ્યા ભાગવા, પેલા ધૂની સાયન્ટીસ્ટ આર્કીમિડીઝની
જેમ, એમણે તો છડી પોકારી, ‘મીરેકલ, મીરેકલ..!!’ મેં કહ્યું વધારે ડાહ્યા ન થાવ
નહીં તો હમણા જો બારી ખોલી નાખીશને તો….તને ખબર જ છે બહાર પેલી તારી સાસુ, ઠંડી,
તારી રાહ જોઇને જ બેઠી છે!
આજે તો બધાને ચૂપ કરવા જ જાણે કે ઉઠ્યો છું. ફટાક કરતો કબાટ ખોલીને,
પેલા રોજ ફૂદકતાં અને આજે આળશ મરડતાં, ટ્રેક-સૂટને પકડ્યું અને ઠબકાર્યું. એને તો
એમ કે હાશ જલસા આવા લબાડે મને ખરીદ્યું છે તો જિંદગી આખી ખોટે-ખોટી રાડો પાડ્યે
રાખીશું અને આમને આમ આળશ મરડ્યે રાખીશું! પણ આજે તો એને પણ આડે હાથ લીધું.
મજા તો ઘરની બહાર નીકળો ત્યારે આવી. પેલી રોજ મારા પર હસતી સવાર આજે હજી
નસકોરા બોલાવતી હતી. મને થયું આજ મોકો છે, હું ધીમે રહીન ફરીથી ઘરમાં ગયો અને
બાથરૂમમાં જઇ અડધી ડોલ ભરી આવ્યો. દોડાવો, તમ-તમારે કલ્પનાનાં તમારા ઘોડાઓ, શું
કર્યું હશે બહાર જઇને પછી મેં કહો જોઇએ?! હમમમ…બિલકુલ સાચું સીધી જ એક મોટી બધી
પાણીની છાલક એનાં મસ્ત-મજાનાં શાંત, ઉંઘતાં મોં પર..!
ઘાંઘી-વાંઘી થતી, હેબતાઇ ગયેલી એ સફાળી ઉઠી હોં.. અને હવે હસવાની વારી
મારી હતી. સાચું કહું છું હો, એનાં એ એક્સપ્રેશન જોઇને મારા આંતરડા દુખી ગયા એટલું
હસવું આવ્યું. ‘કાં, હવે કેમ શું થયું..બોલ હસીશ હવે મારા પર’, હાહાહા…
આતો બધું કર્યું ચાલો, પણ હમણા મને કોઇએ કીધું છે કે, પરાણે
ખેંચી-ખેંચીને બહાર કાઢેલો પરસેવો, મહેનત કરાવી-કરાવીને ઉંધો વાળી દીધેલો
ટ્રેક-સૂટ અને પેલી મારી ‘કટ્ટર સખી’ સવાર આ ત્રણે ભેગા મળીને મારું ‘કાસળ’ કાઢવાનું
કંઇક સડયંત્ર રચી રહ્યા હતાં. તો જોશમાં ને જોશમાં આજે એક દિ’ વહેલું ઉઠાય ગયું
એમાં ગામની લેફ્ટ-રાઇટ લઇ લીધી તો હવે જોઇએ આવનારા દિવસોમાં બાપુનું પોતાનું શું
થાય છે…