સપ્તરંગી

મેઘના બરાડી…!

સવાર બસ પડું પડું જ હતી, એલાર્મ બસ વાગવાનો જ હતો, ન્યુઝ પેપર જસ્ટ ફેકાવાનું જ હતું, સામેવાળા અંકલના યોગા પૂરા થવાનાં જ હતાં, મેઘના બસ બરાડવાની જ હતી, મારી ઉંઘ ઉડું ઉડું જ હતી, બરાબર ત્યાં જ……મને ફરીથી ઝોકું આવી ગયું!!

મને શું લાગે છે ખબર છે; આમ જોકે હું શ્યોર તો નથી કેમકે ન’તો મને રીડીંગનો શોખ છે, ન’તો હિસ્ટ્રીનો, ન ફિલોસોફીનો હું તો બસ આ જે સવારે મારી સાથે બન્યું એનાં પરથી જ વિચારતો હતો. હમમમ.. તો મને લાગે છે કે ઘણાને ઘણું-ઘણું કે’તાં સાંભળ્યા કે આજથી ત્રીસ પહેલાં, અમે જ્યારે તમારા જેવડા હતાં ત્યારે આવું હતું અને આવું હતું અને વળી આવું હતું. તો વળી ઘણા ભવિષ્યવેત્તાઓ કે અમુક ટેક સેવીઓને કે’તાં સાંભળ્યા છે કે આજથી દસ-વીસ વર્ષમાં આવું હશે અને આવું પણ હશે અને વળી આવું પણ હોઇ શકે!

હમમમ.. તો મને એવું લાગે છે કે(હવે ફાઇનલી, મને કેવું લાગે છે એ!), જ્યારે પણ જેવું હતું એવું કે જ્યારે પણ જેવું હશે એવું, પણ આ તો હતું છે અને રહેવાનું જ છે…
સવાર બસ પડું પડું જ હોવાની..
એલાર્મ બસ વાગવનો જ હોવાનો..
ન્યુઝ પેપર જસ્ટ ફેકાવાનું જ હોવાનું.. સામેવાળા અંકલના યોગા પૂરા થવામાં જ હોવાનાં..
મેઘના(તમારીનું જે નામ હોય એ!) બસ બરાડવાની જ હોવાની..
તમારી ઉંઘ ઉડું ઉડું જ હોવાની..
અને બરાબર ત્યાં જ….. એ આવી જતું હતું કે આવી જાય છે કે આવી જવાનું!!

અને મને હજું પણ કંઇક લાગે છે…
મને લાગે છે કે આ બધું થવામાં હશે ત્યારે જ્યારે ‘એ’ આવતું હશે ત્યારની મજા પણ એ જ હતી..એ જ છે..અને એ જ રહેવાની..

એ બરાડી…મેઘના બરાડી…!