સપ્તરંગી

મુક વધારાનું…

ટીવીમાં એકવાર મોરારીબાપુને કહેતાં સાંભળ્યા હતાં, ‘ઘણીવાર મને આમ
એટલી મજા આવે કે હું કોઇ ન મળે તો અરીસાની સામે જોઇને ગાતો-ગાતો નાચવા લાગું, મને
એમ થાય કે હું ક્યાંક ફાટી ન પડું!’
આ વાત છે ‘મજા’ની…ના, એમ નહીં કે, આ મજાની વાત છે પણ અહીં મોરારી
બાપુ વાત કરતાં હતાં મજાની, જલસાની, આનંદની! ના, કોઇ પર્ટીક્યુલર કારણને લીધે નહીં
પણ એમ જ જિંદગી માટે..જિંદગી માટેનો આનંદ, જિંદગી માટેની ગલીગલી..
બોસ, ટ્રસ્ટ મી, જિંદગી ગધેડીની માણવા જેવી છે, ચૂસવા જેવી છે, ચૂમવા
જેવી છે, બાથ ભરવા જેવી છે, સાથે બર્થ ડે સૂટમાં બાથ લેવા જેવી છે..હા, આશ્ચર્ય
પામવાનું રહેવા દે. ગાળ બધી એક્સ્ટ્રીમ ફીલીંગમાં આવી જ જાય પછી એ ચરમ આનંદ હોય કે
દાંત કચકચાવતો ખાર હોય એની વાત પછી ક્યારેક કરીશ અત્યારે મને મારી વ્હાલી જિંદગીની
વાત કરવા દે તું.
લખવા ખાતર નથી લખતો એ તને લખાણમાં અનુભવાતી એનર્જિ પરથી ખબર પડી જ
જશે, દોસ્ત મને મારી જિંદગી વ્હાલી છે, અતિશય!! મને પણ ઘણી વખત મોરારીબાપુ જેવું
થાય છે, થાય કે એલી હજી કેટલાંક જલસા આપીશ, હવે આનાથી વધારે મજાને હું ક્યાં
ઘાલીશ, હું ક્યાંક ફાટી પડીશ.
હું લીટરલી ગોઠણ-ગોઠણ સુધી ઉછળી-ઉછળીને કૂદવા લાગું, રાડો-ચીસો પાડવા
લાગું, ક્યારેક જરા પણ અવાજ વિના બેફામ રડવા લાગું…મજા જાણે કે આવ્યા જ
રાખે..આવ્યા જ રાખે..આવ્યા જ રાખે…
તને પહેલા જ કીધું એમ આ મજાને કોઇ પર્ટીક્યુલર કારણ નથી હોતું. જાણે
કે ધગધગતાં સૂરજ નીચે ખૂલ્લા મેદાનમાં રીતસરનાં ખખડતાં સૂકા ઘાંસને કોઇએ એકાદ તણખો
ઉધાર આપી દીધો બસ… કોઇ એકાદ ગીત, કોઇ એકાદ વીડીયો, કોઇ એકાદ વ્યૂ, કોઇ એકાદ
વસ્તુંનો ટેસ્ટ, અરે કોઇ એકાદી સુગંધ સુધ્ધા આ તણખાનું કામ કરી જાય, અને પછી..પછી
તો એ દવ એવો લાગે..એવો ફેલાય કે વાત જ જવાદે…જલસા જ..જલસા..
વહેંચો, વિસ્તરો, હસો, જીવો…જિંદગી…વાહ જિંદગી..આહ જિંદગી…
મુક વધારાનું…………….બસ જીવ!