સાદું-સીધું

(ટાઇટલ??- Confused, u try!)

પ્રેમલા-પ્રેમલીની વેવલી વવ જેવી વાત નથી કરવાની, ના. વાત કરવાની છે તારા
હાથની આંગળીઓ વચ્ચેની જગ્યા પૂરતી આંગળીઓ જેની છે એ તારા પૂરકની. ‘પૂરક’ ગુજરાતી
ભાષાના ઢગલાબંધમાંનો એક બેનમૂન (‘બેનમૂન’ પોતે પણ) શબ્દ! લ્યો મૂંજાય ગયો; શેની વાત
કરું હવે, જેની કરવા બેઠો છું એની કે પછી મારી વ્હાલી ગુજરાતીની!?! જવા દે,
અત્યારે જેની મોકાણ માંડી છે એને જ પે’લા બાળી લેવા દે.
તો, મારામાં-તારામાં જે ચપટીક-ચપટીક, જ્યાં પણ કંઇ ઓછું છે ત્યાં એ
મૂઠી ભરીને પહોંચી જાય, એ આપણું પૂરક; કેમ?- કેમ કે, એ ચપટીક વગર એ જે કંઇ પણ હતું
એ અધૂરું હતું, એણે આવીને કંઇક જાદુ કર્યો અને એ પૂરું થયું, સોળે કળાએ ખીલ્યું,
એના વિના કોણ જાણે એ જે કંઇ પણ આપણે લઇને બેઠા હતાં એનું શુંયે થાત. અરે કોઇનું
નહીં, એનાં વિના આપણું શું થાત!!
આવી વાતો ક્યાંથી સૂજી એમ જ ને?- શિયાળાની ઠંડકથી, ચાદર અંદરની
હૂંફથી, એના ગરમ ઉચ્છશ્વાસોની અસ્તવ્યસ્ત લયથી, એના ટેરવાનાં લપસણા સ્પર્શથી,
બિલકુલ શાંત વાતાવરણમાં સ્પષ્ટ સંભળાતા એના એકધારા ધબકારથી, એનાં પારદર્શક, ગુલાબી
તળીયે લાગેલાં વેસેલીનનાં આછા અસ્તરની સુગંધથી…
મને શિયાળો પસંદ છે. એ મને ઘણી રીતે એની નજીક લઇ જાય છે, મને
એનામાં-એને મારામાં ઓગળાવે છે, મારામાં એને વધું ઉંડે ઉતરાવે છે. મને ચાદરની પેલે
પારની દુનિયા પસંદ છે, મને એની સાથે શેરડીની ગંડેરીની જૂટાજૂટી પસંદ છે, મને શેર
થતાં કાવાની ચૂસકી પસંદ છે.
મને નથી ખબર કે શિયાળા વિના હું પોતાને એની આટલી નજીક ક્યારે લઇ જઇ
શક્યો હોત, મને નથી ખબર કે મારે એનો વધારે આભાર માનવો રહ્યો કે શિયાળાનો, મને નથી
ખબર કે કોઇ મને આ બે વચ્ચે ચૂઝ કરવાનું કે’ તો મારું શું થાય. પણ મને એટલી ખબર છે
કે હું, ‘હું’ તો બિલકુલ નથી, જો આ બે નથી તો!
હવે મારાથી આગળ નથી લખાતું, કેમ?- ના, કંઇ યાદ નથી આવતું એટલે નહીં પણ
તરહ-તરહનાં યંત્રોનાં અવાજોથી ભરેલી આ દુનિયાને શિયાળામાં જાણે કોઇ કાળોતરો ફ્રેંચ
કીસ કરી જાય છે, બધે અજીબ સૂનકાર વ્યાપી જાય છે. દૂર ક્યાંય રોડ પરનાં ટ્રકનાં
હોર્ન અને પલંગના એક જરા અમસ્તા ઢીલા બોલ્ટને લીધે પડખા ફેરવતાં પાયામાંથી આવતો અવાજ
જાણે કે સીમ્ફની બનાવી જાય એવી ‘ભયંકર’ શાંતિમાં ન રહેવા ટેવાયેલાને આજે ટાઇપ કરવા
કી પર પછડાતી આંગળી પણ જાણે કે લોખંડનાં ચોસલાને પટ્ટી બનાવેવાં એના પર પડતાં ઘણની
છબી તાર્દશ કરી જાય છે. આવી શાંતિ મને, મારા અને એની વચ્ચેનાં એવાં-એવાં અને એટલાં
અંશોને યાદ કરાવતી જાય છે કે જો અત્યારે તારી સામે એને છતાં કરતો જઇશ તો…અરે તો
શું, તો એ કોમન થઇ જશે. પહેલાં હું એને પેટન્ટ કરાવી લઉં પછી વાત હોં બકા…!
વાત ક્યાંથી ક્યાં ગઇ! ‘શિયાળા તારો અને ‘એનો’ જ આ બધો વાંક છે! ન તો તું
આટલો અગમ્ય(આ ‘ગમવા’નો વિરોધી શબ્દ નથી, અગમ્ય=મિસ્ટીક) હોત, ન તો એનામાં
આવું-આટલું લાવણ્ય(હવે આનો મતલબ ગોતી લેજે જાતે, ડફોળ!) હોત!!