ધક્કો મારશે

પડ ધીમો.

સાલ્લું થોડા ધીમા
પડીએ, એકધારી, ઢસડાતી, યંત્રવત જિંદગીમાંથી બ્રેક બનતા હૈ નહીં!? દોડતાં, ભાગતાં,
સૂતાં, ઉઠતાં, ઠૂંસતાં, ફરી સૂતાં, ફરી ઉઠતાં, ફરી ઠૂંસતાં, ફરી દોડતાં… આમને આમ
ક્યાં સૂધી બકા..??
વાહ! આ બે લીટી જાણે
મેં તારા માટે જ લખી હોય એમ કેવો સેન્ટી થઇને આવતાં વેકેશનની તારીખો પણ નક્કી
કરવાં લાગ્યો હેં! ભલું હશે તો ઓનલાઇન બૂંકીગ પણ કરાવી નાખ્યું હશે..ફાસ્ટ-ફાસ્ટનો
જમાનો છે ભૈ અને તું…તારી તો ક્યાં વાત જ થાય…સો કોશ દૂર કોઇ બચ્ચા-બચ્ચાને
પૂછી જૂઓ કે સૌથી ફાસ્ટ કોણ તો એમાંથી એકે પણ તારા નામ સીવાય બીજા કોઇનું નામ
લેવાનો જ નથી..
ચલ હવે ઉતર
નીચે..’ક્યાંથી??’..ચણાનાં ઝાડ પરથી..જ્યાં મેં તને હમણાં-હમણાં ચડાવ્યો છે..
બટ રીઅલી, આવી બધી
ધીમા પડવાની, લાઇફને જરા નજીકથી જોવાની, કોઇ આપણા સાથે હાથમાં હાથ નાખીને ટહેલવાની
વાતો ખાલી કહેવાની જ છે. હા..હમણાં તું કહીશ કે તેં જ ‘વ્યક્ત’માં આવી વાતો કરેલી
છે, કે જેને હવે તું ‘ખાલી’ કહેવાની વાતો કહે છે…તો હું તને કહીશ કે એ ‘ગઇકાલનું
વ્યક્ત’ હતું આ ‘આજનું વ્યક્ત’ છે.
થીંક અગેઇન, તું
અઢાર કલાક કામ કરે છે? તારું વોટ્સએપમાં એકાઉન્ટ નથી? તને પહેર્યા પછી ખબર પડે કે
શર્ટ બગલમાંથી ફાટલું છે અને તું એને ન બદલાવે? તું પાંચ કલાક સૂવે છે?
ઉપર લખી એવી બધી
વેવલી વાતો આપણા જેવા માટે નથી દોસ્ત…આપણા માટે છે, ‘યા હોમ કરીને કૂદી પડો ફતેહ
છે આગે’, ‘હવે તો યુધ્ધ એ જ કલ્યાણ’, ‘આર યા પાર’, ‘ન શું થાય!’
પહેલા એટલું કામ
કરીએ એટલું કામ કરીએ કે ખરેખર જિંદગીને કહેવું પડે કે, ‘ભઇલા, હવે જરા ધીમો પડ..’
અને ટ્રસ્ટ મી તું તણાય નહીં જા, તું જિંદગીનો આ કૉલ મીસ કરી જઇશ એવો એ ધીમો અને
નમાલો નહીં હોય..તું પણ તારી ગર્લફ્રેન્ડ સાથી વરસાદમાં ગરમ-ગરમ મકાઇ શેર કરી જ
લઇશ, તું પણ તારી વ્હાલી પરીનાં સ્કૂલ ફંકશનમાં પહોંચી જ જઇશ, તું પણ તારા પપ્પાને
પગથીયાં ચડતાં ખભ્ભાનો ટેકો આપી જ દઇશ…
જિંદગી તને તણાવા
નહીં દે, કદાચ જો આ બહાનાંને મગજમાં કેન્દ્ર સ્થાને રાખીને આજે તું ‘કાળી’ મહેનત ન
કરતો હોય તો મારી આ લેખીત ગેરેંટી છે કે તું આમાનું કશું જ નહીં ચૂકે..એકવાર લાગી
જા, મચી પડ, ઉંધુ ઘાલી દે, ચોટલી ખીત્તો કરી દે પછી જો…
અને જો ત્યાં સુધી
આવી ઘેલસફ્ફી વાતો કરી છે કે.. ‘ધીમો પડ…પૂંછડું, લોકડું, ઢીકળું…’ તો જા પડ
ધીમો.