સાદું-સીધું

પહોંચવા જ આવ્યો છું-

કદાચ તેં જોયું હોય અથવા કોઇ નાના સીટીમાં રહેલા દોસ્તો પાસેથી સાંભળ્યું હોય તો આવા થોડી ધીમી અને મોજીલી લાઇફ સ્ટાઇલવાળા શહેરોમાં ક્યાંક મોડી રાતે કોઇક રસ્તાનાં ખૂણા પર પાંચ-સાત લોકોનું ટોળું પલાઠીવાળીને બેઠેલું બધી નજરો એક સાથે એકીટશે વચ્ચેની બાજુએ ગડાવેલું દેખાશે. વચ્ચે જોઇશ તો કોઇક ટોળામાં શતરંજની બિસાત હશે તો ક્યાંક વળી કેરમની રમજટ હશે અને ક્યાંક રમીની રંગત હશે.

મોટા, મેટ્રોપોલીટન સીટીમાં જ્યાં લોકો કામ કરીને થાકી હારીને માંડ માંડ ઓફીસની બહાર નીકળતાં હોય ત્યારે તો આવા બધા ‘શેરી ક્લબો’માં હજુ બાઉન્સરો ગોઠવાતાં હોય છે!

અરે! ના, ના! આ તો એમ જ હસવા માટે; બાકી આ ‘શેરી ક્લબો’માં આવવાં કે ભાગ લેવા કોઇ મેમ્બરશીપ કે એન્ટ્રીપાસની જરૂર નથી પડતી અહીંયા તો બસ તારી પાસે સમય અને લોકો સાથે તરહ-તરહની વાતો કરવામાં રસ હોવાની જ જરૂર હોય છે બસ!

ગઇકાલે અનઇન્ટેશનલી આવા એક ક્લબની મુલાકાત લેવાનું બની ગયું. થયું એવું કે રીલેટીવનાં ઘરેથી આવતાં-આવતાં બારેક વાગી ગયેલાં અને ન જાણે ક્યાંથી રસ્તા પર સ્કૂટર ચાલતાં-ચાલતાં એકાએક હેન્ડલ ફગવાં લાગ્યું અને તરત જ અંદર ક્યાંક ખૂણામાં ધૂળ ખાતા પડેલાં સમજણનાં પોટલાએ પોતાની ગાંઠ ખોલી નાખી અને જોરથી બરાડ્યું…“પંચર”….! અને ખચ્ચ્ચ્ચ… બ્રેક લાગી ગઇ! (ગમે તે કહે, પણ દિમાગ છે સાલ્લી ગંદી વસ્તું!, હેને!) નશીબ એટલા સારા કે પેલી ચોવીસ ક્લાક ખૂલી રહેતી દવાની દૂકાન કરતાં ક્યાંય રેર એવા ચોવીસ કલાક ખૂલ્લા રહેતાં ગેરેજની નજીકમાં જ પંચર પડેલું, એટલે દોરીને સ્કૂટર ત્યાં લઇ ગયો અને ઓપરેશન થીયેટરમાં સ્ટ્રેચર પર લઇ જવાતાં દર્દીની છટાથી એ ગંજી ધારી, જરા ઘાટી સ્કીનનાં, ભારી વજની આકારે મારી પાસેથી ‘સબ કૂછ ઠીક હો જાયેગા, માજી!’ ના એક્સપ્રેશન સાથે મારા સ્કૂટરને લઇ લીધું.

હવે તકલીફ એ પડી કે રસ્તાનાં કીનારા પરનાં ગેરેજમાં કોઇ રીશેપ્શન ન’તું કે ન એ રીસેપ્શનમાં હતી કોઇ ગણેશજીની મૂર્તી કે જેની પાસી ઘૂટણીયે પડીને આ ‘માજી’ પોતાનાં સ્કૂટરનાં જીવનનાં બદલે પોતાનું જીવન લઇ લેવાની કાકલૂદી કરી શકે!! એટલે પછી આ ‘માજી’ એ એટલે કે મેં ટાઇમપાસ કરવા માટે આમતેમ નજર દોડાવી તો રસ્તાની સામે જ મને આવું એક ‘ક્લબ’ દેખાઇ ગયું.

ધીમે-ધીમે રસ્તો ક્રોસ કરીને એ સ્ટ્રીટ લાઇટ નીચે બેઠેલા નાના અમસ્તાં ટોળા પાસે પહોંચ્યો ત્યારે ખબર પડી કે અહીંયા તો બે નાનાં-નાનાં સર્કલમાં અગીયાર જણાં ગોઠવાયેલાં હતાં. પાછળનાં સર્કલમાં પાંચ અને આગળનાં સર્કલમાં છ.

એમણે મને દૂરથી આવતો જોઇ લીધો હતો, એમણે જોયું હતું સ્કૂટર રીપર થવા પૂરતો જ ટાઇમપાસયો વીસીટર માત્ર જ હતો એટલે હવે એ અગીયારમાંથી કોઇએ મારી સાથે આંખ પણ ઉંચી કરીને જોવાની તસદી ન લીધી.

પાછળનાં સર્કલમાં પત્તાની ગેમ ચાલું હતી અને આગળનાં સર્કલમાં વચ્ચે ચેસ બોર્ડ પડ્યું હતું. બધા પોત-પોતાની ગેમમાં મસગૂલ હતાં. મને ચેસમાં થોડો વધારે રસ એટલે હું ત્યાં પહેલા સર્કલ પાસે ડોકું નમાવીને જોવા લાગ્યો. દસ-પંદર મિનીટ થઇ ગઇ હશે કોઇ જ પોતાની જગ્યા પરથી હલતું કે ચલતું પણ ન હતું ત્યાં જ એ ચેસવાળા સર્કલનો એક સ્પેકટેટર ગરદન ઘૂમાવીને પત્તાવાળા સર્કલબાજુ ફર્યો અને હાથમાં પત્તાની બાજી લીધેલાં એક ભાઇનાં ખભ્ભે હાથ મારીને કે, ‘વાલજીભાઇ તમારી આ પત્તા દબાવી રાખવાની આદત મને ક્યારેય ન સમજાઇ!’ એમ કરીને એ ફરી પાછો ચેસબાજુનાં સર્કલ તરફ ઘૂમી ગયો.

આ બાજું વાલજીભાઇને તો કોઇ ફરક ન’તો પડ્યો, એમનાં એક્સપ્રેશનમાં પણ કોઇ ફરક ન’તો પડ્યો! વાલજીભાઇએ તો નવી બાજી પણ એ રીતે જ બંધે-બંધ ઉપાડી અને પહેલાં એક જ ખૂલ્લું પત્તું જોયું અને ચાલ ચાલી દીધી, વળી જ્યારે બીજી ચાલ ચલવાની વારી આવી તો હળવેક રહીને પહેલું પત્તું જરા અમસ્તું સરકાવી બીજું પત્તું જોઇ લીધું અને વળી પાછી ચાલ ચાલી લીધી અને એ બાજી જીતી પણ ગયા. મને એમકે હવે એ ત્રીજું પત્તું જોઇ લેશે પણ વાલજીભાઇએ પોતાના હાથનાં ત્રણે પત્તા પીસવા માટેનાં પત્તાનાં ઢગમાં ફેંકી દીધાં!

ત્યાં જ મને ખૂશ ખબર મળ્યાં કે ‘ઓપરેશન’ સફળ રહ્યું છે! એ ઘાટી સ્કીનનાં, વજનદાર, ગંજીધારી ઇસમને પૈસા ચૂકવી હું મારું સ્કૂટર લઇને ત્યાંથી ઘરે આવવાં રવાનાં થયો.

એ અંધારા, થોડા સૂનાં રસ્તા પર મને એ વાલજીભાઇની ઓરીજીનલ ‘બાજી’ સમજાઇ!!
મને થયું શું કામ વધારાનાં પત્તા જોવા જ જોઇએ!!

ચાલને સસપેન્શ બરકરાર રાખીએ, ચાલને એક્સાઇટમેન્ટને એનાં ચરમ પર જ રહેવા દઇએ, ચાલને જાણવાં પૂરતું જાણીને ક્યારેક-ક્યારેક અજાણ્યું જાણ્યાનો આનંદ લેતાં જઇએ!!

બસ હવે ઘરે પહોંચવા જ આવ્યો છું-