આવું હોતા હશે, હંહ!

પણ એણે ડચકારો શું કામ કર્યો?

લે ભૈ માંડીને કરું બસ! વાત, વાત હોય એમાં માંડીને એટલે વળી શું! અને
રાંડીને એટલે વળી શું! પણ એમ સામેવાળાનાં હાથ પર જરા અમસ્તો હાથ અડકાવીને એમ ન
બોલીએ કે, ‘‘માંડીને’ વાત કરું!’ ત્યાં સુધી મારી બેટી ઇફેક્ટ જ ન આવે…
તો થયું એવું કે, હમણા ગઇકાલે મારે ઘરનાં ઉપરનાં માળેથી ગાદલાની
હેરફેર કરવાની હતી, શું કામ કરવાની હતી, કંઇ કામ હતું વગેરે, વગેરે..ની પંચાતમાં
અત્યારે ન પડમાં તું; એટલું માની લે કે કરવાની હતી બસ. તો એક ગાદલાને થ્રી
ફોલ્ડમા6 વાળીને બરાબરનું હાથ વચ્ચે દબાવીને દાદરા પરથી ધીમે-ધીમે નીચે લઇ ગયો. પણ
સાલ્લું કોઇ દિ’ કામ કરવાની એવી આદત નહીં એટલે પડવા મંડ્યું કષ્ટ!
હજી બે ગાદલાને નીચે ઉતારવાનાં હતાં, એ ન ઉતારવા પડે એ માટે ફરી એકવાર
બનતી ‘મહેનત’ કરી જોઇ મમ્મી સાથે પણ કંઇ ન વળ્યું. એટલે વીલા મોઢે સાહેબ ફરી ચાલ્યા
ઉપર, હવે શીયાળો બસ જતો જ હતો એટલે પડ્યા-પડ્યા થોડો ભેજ ખાયને ગાદલા ભારે પણ થઇ
ગયા હતા. બે માંના એકને માંડ-માંડ ઉચકી-ઢસડીને ગેલેરી સુધી લઇ ગયો, પછી એને ત્યાં
જ રાખી અંદરથી બીજાને પણ સાથે-સાથે ત્યાં ગેલેરીમાં લાવી રાખવાનું મનમાં નક્કી કરી
એને પણ ત્યાં મહા મહેનતે ઢસડી લાવ્યો.
પછી જ્યારે જણે એ બે માંથી એક ગાદલાને ઉંચકી ગેલેરીની રેલીંગ પર
ટેકવ્યું અને નીચે જતાં પેલા દાદરા પર જેવી નજર પડી કે જણનાં છક્કા છુટી ગયા. અરે,
બાપ રે!! હજી બે વખત આટલું વજન લઇને નીચે સુધી ઉતરવાનું કામ એટલે સચીનનાં 91 થી
100 સુધીનાં 10 રન વધુમાં વધું 20 બોલમાં થઇ જવાં જેટલી જ અશક્ય વાત લાગી…
ત્યાં સામે દેખાતી, શેરીનાં આસોપાલવની નમેલી ડાળની કોર પર બેસીને આ
બધું થતું જોતી એક ખિસકોલીએ મને પૂછ્યું, ‘અલ્યા હવે શું કરીશ?’ મેં એની સામે
જોયું, રેલીંગ પર ટેકવેલાં ગાદલા સામે જોયું અને પછી એ ખિસકોલી સામે હોઠ મરકાવી,
આંખ મીંચકારી અને પછી મેં જે કર્યું એ જોઇને પેલી ખિસકોલી એટલી દંગ રહી ગઇ કે એને
કંઇ જ ન સમજાયું અને એ જાણે કે કોઇ ચાવી ચડાવેલું રમકડું હોય એમ એકવાર ગેલીરીમાં મારી
સામે અને એકવાર ફળીયામાં નીચે એકધારી વારાફરતી એની નજર નચાવવાં લાગી.
મેં ત્યાં નીચે પડેલાં બીજા ઉંચકી એને ગેલેરીની રેલીંગ પર મૂકી એની
સાથે પણ એજ કર્યું જે મેં હમણા રેલીંગ પર મૂકેલાં બીજા ગાદલા સાથે કર્યું હતું,
એને રેલીંગ પરથી ધકેલી દીધું, ધબ…ધબ…
બે ધબાકા અને કામ ખતમ…!! મેં ત્યાં ઉભા-ઉભા જ એ ખિસકોલી સામે જોઇને
એને કહ્યું, ‘ગાંડી, એટલે જ તું ખિસકોલી છો અને હું ‘માણસ’!’ ખિસકોલી ‘હંહ..’નો ડચકારો(ઓર
હહકારો!) કરીને ત્યાં ડાળની કોર પરથી અંદર થડ તરફ જતી રહી.