બેફિકરું

પરવાહ?! એ વળી કોના બા*ની!

“જિંદગીનાં
રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.”
તક ઝડપ, રસ્તા કરી લે, જીતતો જા..આ બધું તો ચલ ઠીક છે પણ એટલું
પાક્કું કે નવરો ન બેસ, કંઇક કર..
સવાલો ઉભા કર, જવાબો મેળવવા મથ, ખૂદની ભઠ્ઠીની ધમણની સાંકળ ખેંચ્યે
રાખ..
થોડીક જ, બસ જરાક જ નજર લંબાવીશ તો માની જઇશ કે વધી-વધીને જીવ્યા તો
પણ 100 વર્ષ બહું જ ઓછા છે નવુંનું નવું કરતાં રહેવા માટે અને એમાં પણ આપણે પોતે
બાંધેલી આડી-અવડી સમજની ‘મજબૂત’ દિવાલો, આડીટેઢી લેબીરીન્થ જેવી, આપણી ગળથૂથીમાંથી
જ આપણામાં ભળી ગયેલી માન્યતા-ગેરમાન્યતાઓ અને અધૂરામાં પૂરી આ સોશ્યલ સાઇટો..
આપણે આવા ઘણા ઓબસ્ટીકલ્સને આપણી પોતાની આગવી, સ્વતંત્ર બુધ્ધી સુધી
પહોંચવા અને ખૂદને ઓળખવા માટે ઓળંગવા પડે એમ છે અને પછી જ શરૂ થશે આપણું ખૂદનું
ગમતું કંઇક નવું કરવાની શરૂઆત અને એથી પણ અગત્યની અને એથી પણ વધારે મહેનત માંગી લે
એવી વાત, એ રસ્તા પર બની રહેવાનો જુસ્સો ટકાવી રાખવાની વાત..
ઘણું કરવાનું છે અને એ કરતું જ રહેવાનું છે.. એકવખત ચાલું કરીશ એટલે
લાગશે કે, હા, ખરેખર! આ સાલ્લું તો મજાનું છે, આ પહેલા કેમ ન કર્યું અને ત્યારે
થોડો પસ્તાવો પણ થશે પણ તારી-મારી-માણસમાત્રની એક વાતની ગેરંટી બુધવારીમાંથી
લીધેલી પેલી ઘાટી મરૂન ચડ્ડીનાં રંગની જેમ પહેલી ધુલાઇમાં આછા થઇ જવાની ગેરંટી
જેવી જ છે..અને એ વાત છે ઠરી જવાની..
તું ઠરી જઇશ, હું ઠરી જઇશ..બસ ત્યારે આ મરીઝની બે પંક્તિ યાદ કરી લેજે
અને ખૂદને કહી દેજે કે ઠરવાં માટે ચીતા પડી છે, કોઇ કમઅક્કલ અહીં ઉંમરની વાત વચ્ચે
લાવતો હોય તો એ અહીંથી આગળ વાંચવાનું અટકાવી દે અને એવાઓને માટે ‘વિયુક્ત’ હવેથી
કાયમ માટે બેન ઘોષીત કરું છું.
હું એમ નથી કહેતો કે જિંદગી પેલા ઢાળ પરનાં પાણીની જેમ લસરી જાય છે,
હાય..હાય..કોઇ એને રોકો..
ના, સમય વહેશે, કરચલી પડશે, સફેદી આવશે, બે-બે પુશ-અપ્સ ઓછા થતાં
જશે..પણ એ બધાને વસૂલી લેવાનું ભાથું ત્યાર સુધીમાં બંધાતું જવું જોઇએ..પાછળ
માટેનો સંતોષ અને આગળ માટેની જીજ્ઞાસાને જો કાંટા પર મૂકીએ તો એ એકે બાજુ નમવો ન
જોઇએ..
દોસ્ત, જિંદગી એક છે..હું એક છું..ધબકાર એકધારા છે..કોના બાપની પરવાહ
છે….