સ્વાભાવિક

પ્રભાશંકરભાઇ મને ખીજાશે.

આજે તારીખ 12, મહીનો 12, વર્ષ
2012; સાંભળવામાં આવ્યું કે આજનાં દિવસે બાળકને જન્મ આપવા માટે સીઝીરીયન ઓપરેશનનાં
બુકીંગ થઇ ચૂક્યા છે, સારું કહેવાય. આપણે બીજા કોઇની ઘેલછાને ઘેલસફ્ફાટ કહેવાવાળા વળી
કોણ હતા?! પણ આના ઉપરથી એક વસ્તું સૂજી છે.

આ તારીખો, મહીનાં, વારો, વર્ષો બધું આવ્યું ક્યાંથી,
કોણે બનાવ્યું? જવાબ છે, આપણા ભેજામાંથી આવ્યું અને એટલે આપણે આ બધું બનાવ્યું છે.
અલગ-અલગ સમયનાં માણસોએ પોતાની અલગ-અલગ બુધ્ધી અને માન્યતાં મુજબ અલગ-અલગ કેલેન્ડર
બનાવ્યા, શું કામ?, પોતાની સગવડતાં માટે, નથીંગ એલ્સ! પણ હવે આજે આવું એક માંડ બે
હજાર વર્ષ પહેલાં બનેલું કેલેન્ડર કે જે આમ જોવા જાઓ તો એકડા-બગડાથી કંઇ વધારે નથી
એનું આજે કેટલું મહત્વ થઇ ગયું છે. જો કે આ વાત ખાલી તારીખોની નથી બીજી પણ એવી ઘણી
વસ્તુંઓ છે જે આપણે ક્યારેક બસ એમ જ બનાવી હતી અને આજે એની પાછળ જિંદગીઓ ખર્ચાય
રહી છે. જેમ કે, કોમ્પ્યુટર.

ગઇકાલે ગુગલનું ડુડલ હતું એ લવલીસ માસી, બેબેજ કાકાથી
લઇને સ્ટીવ જોબ્સ, ઝકરબર્ગ, જેમ્સ કેમરુન અને આપણા સુધી આ બધું વધું ને વધું ઉંડું
જતું જાય છે. પેલા એનીમેશનની આ દુનીયા નો’તી જે અવતારમાં જેમ્સ કેમેરુને દેખાડી,
પહેલાં કોઇ મશીન પાસે ગણતરી કરાવવી શક્યા નો’તી ચાર્લ્સ બેબેજે કરાવી, આવી
ટેકનોલોજીને બટેટાની ચીપ્સની જાડાઇમાં સમાવવી શક્યા નો’તી જોબ્સે સમાવી, વિચારોને
પોતાની ભાષામાં બીજાઓ સુધી પહોંચાડવામાં શક્ય નો’તો મેં પહોંચાડ્યા. આનો કોઇ અંત
નથી.

આ પેલા જેવું છે, તમે કૂવો ખોદવાનું શરૂ કર્યું છે અને
તમે એ જ નક્કી નથી કરી શકતાં કે કૂવો ખોદવો હતો કેટલો અને હું કેટલે પહોંચ્યો છું,
તમે બસ ખોદ્યે જ રાખો છો અને ખુશ થયે રાખો છે કે, ‘વાહ, હું કૂવો ખોદું છું, હું
કૂવો ખોદું છું!’

તારા ગાર્ડનમાં તારે મહેંદીની વાડની છ ફૂટ ઉંચી
ભૂલભૂલૈયા(લેબીરીન્થ) બનાવવી છે, તેં શરૂ કર્યું; એક પછી એક અંદર-અંદર
આંટીઘૂંટીમાં વાડો ઉભી કરતો ગયો, ક્યાંકથી અંદર જવું હોય તો ત્યાંથી બહાર નીકળી જવાય
અને ક્યાંકથી બહાર નીકળવાનું વિચારતાં હોયએ તો ત્યાંથી વધારે જ અંદર ઘૂસતું જવાય.
આમને આમ એ વાડની વધારેને વધારે ગૂંચળાવાળી બનાવવાની ચાલું જ છે, ચાલું જ છે, ચાલું
જ છે.

તો આવા આપણા બનાવેલાં કેલેન્ડર હોય, ફેન્સી ગેજેટ્સ
હોય, કે ગગનચૂંબી સ્કાય-સ્ક્રેપર હોય, એ બધું આ કૂવા અને વાડ જેવું છે; આપણે એની
અંદર એટલા ધસતાં જઇએ છીએ કે એ જ ભૂલી જઇએ છીએ કે આ બધું કરવાનું કારણ શું હતું, આ
મારી રચના છે નહીં કે હું એની રચના છું, એનું મહત્વ મારાથી ઓછું છે નહીં એનાંથી
ઉલ્ટું.

વસ્તુંઓ, ભૌતિક સાધનો-સહુલીયતો હંમેશા આપણા લોકોથી
નાની જ રહેવાની. એ વાત યાદ રાખવા આ એક જ લાઇન કાફી છે, ‘એને આપણે બનાવી છે, આપણને
એણે નહીં!’

તો અહીં તો પ્રભાશંકરભાઇ ભટ્ટ ભલે મને ખીંજાય પણ એમની
કવિતાને અહીં હું થોડી મારા-મચડીશ,

તું નાનો, હું મોટો એવો ખ્યાલ જગતનો (ખોટો નહીં પણ)
સાચો!…હેં ને…!