ભીનું ક્યાંક કોરું

સડે છે આ…

ખર્ચી જો શકું

એકવાર,
સડે છે

લખલૂંટ
મને
નથી ખબર ક્યારે મારાથી આવું લખાય ગયું અને જ્યારે આ લખાયું ત્યારે મારી અંદર શું
ચાલી રહ્યું હતું. પેલું કે’છે ને કે જે આપણને અસર કરતું હશે એનાથી આપણે બને ત્યાં
સુધી દૂર રહેવાનો જ પ્રયત્ન કરતાં રહીશું એમ જ હું પણ આ 5-7-5ની પેટર્નમાં લખાતી,
હાયકું તરીકે ઓળખાતી ગુજરાતી ભાષાની નાની પણ નાગનાં બચ્ચાં જેવી આ રચનાનાં અર્થને
સમજવાથી પોતાનાં દિમાગને દૂર રાખી રહ્યો છું.

આજે 32
વર્ષની ઉંમરે હું નવ ફીગરમાં વાર્ષિક ટેક્સ પે કરું છું, મારી પાસે 137 ટાઇ અને 64
ટાઇ-પીન છે, રોજ સવારે છ જાતનાં જ્યુશમાંથી કોઇ એક ચૂઝ કરીને પીઉં છું, હું
ઇન્વેસ્ટમેન્ટ બેંકર છું અને મારી વાઇફ ફેશન ડિઝાઇનર છે. ના, મારે કોઇ સંતાન નથી
એટલે એ કોઇ આઇસ-સ્કેટીંગ કે સ્ક્વૉશ ચેમ્પીયન હોવાની તારી ધારણા પર પૂર્ણવિરામ
મૂકી દઇશ હું.

મને
મારું કામ પસંદ છે, મને મારી લાઇફ-સ્ટાઇલ પસંદ છે, મને મારું સ્ટેટ્સ અને રુઆબ
પસંદ છે, મને મારી વાઇફ પસંદ છે, મને એનું કામ કરવું પસંદ છે અને એનું મારી લગોલગ
કમાવું પસંદ છે, મને વ્યસ્ત રહેવું પસંદ છે.

મને
લાગે છે મારે તારી સાથે મારું શેડ્યુલ શેર કરવું જોઇએ; હું દરરોજ સવારે છ વાગ્યે
ઉઠી થોડી કસરત, ટ્રેડમીલ અને યોગા કરું કેમ કે મારી જોબ લોકો સાથે સીધી ડીલીંગની
અને એટલે એમની નજરે વસવા માટે શરીરે પણ આકર્ષક રહેવું એટલું જ જરૂરી છે જેટલું
જીભે. કીધું એમ, મને જ્યુશ કંઇક વધારે જ વ્હાલા છે અને એટલે છ જ્યુશમાંથી દરરોજ
જુદા-જુદા પર કળશ ઢોળી જે-તે દિવસની પેટની ડ્યુટી શરૂ કરું. સ્કૂલ ડ્રેશની જેમ
દરરોજ લગભગ એકસરખા જેવાં જ લાગતાં પ્રાડા, અરમાની, ગુચી, લૂઇશ વીત્તોંનાં સૂટ અને
એની નીચે એવાજ એકાદાનાં પાટલૂન-બૂશટ!

અરે
ભૈ! લોકોનાં, આખેને-આખી કંપનીઓનાં ઢગલામોઢે પૈસાને સાચવવાંનાં અને એ પૈસા થકી બીજા
પૈસાને ખેંચવાનાં નુસખાઓ ગોતવાનું કામ કંઇ સહેલું થોડુંક છે!

આવા
‘અઘરા’ કામને પતાવીને હું ઘરે ક્યારે પાછો ફરું એની તો મારા હેંડ સ્ટીચ પણ પેલા
‘થ્રી ઇડીયટૅસ’નાં ‘પ્રાઇઝટેગ’ની જેમ ઑરીજીનલ લેધરનાં નહીં (કેમ કે હું ‘એનીમલ
લવર’ છું) એવા ગ્લોસી ફીનીશનાં, રાઉન્ડેડ નોચનાં શૂઝને પણ ખબર નથી હોતી પણ હા,
મારો આવો દિવસ ક્યારે પતશે એની ખબર મારા સેમસંગ ગેલેક્સી ટેબ કે જેને હું રાતે પણ
પ્રેઝનટેશન બનાવવાં, માર્કેટનાં હાલ જાણવાં, કોમ્પીટીશનની ભાળ મેળવવાં મારી સાથે
રાખું છું  એને જરૂર ખબર હશે!

તો હવે
મારી આવી દિનચર્યા સાંભળીને પણ તને મારી વાઇફ વિશે કંઇ પૂછવાનું મન થતું હોય કે એ
તો આ ટાઇમ-ટેબલમાં ક્યાંય દેખાય જ નહીં તો તને કહી દઉં કે એનાં વિશેની જાણકારી તને
એની ગાડી, અત્યારે મારી ગાડીની જેમ જ્યારે ફ્રી-વે પર બગડે અને એનાં રીપેર થવાની
રાહમાં એ જ્યારે મારી જેમ એની ગાથા લખીને તને મેઇલ કરે ત્યારે જ તને ખબર પડે કેમ
કે ખરું કહું તો મને એનાં વિશેની મારી વાઇફ હોવાની હકીકત સીવાયની બીજી કોઇ જાણકારી
હોય એવું યાદ આવતું નથી.

તો આજે
દેવાંગ આટલું..

ખર્ચી
જો શકું…