ભીનું ક્યાંક કોરું

સમજ વિશેની ગેરસમજ

‘સમજ’..હા,આ એ શબ્દ છે જે આપણને કરવાનું કરાવે છે અને ન કરવાનું કરતાં
અટકાવે છે, ગરમ તેલનાં તવા પરથી પાણી ભરેલા ગ્લાસની લેણ-દેવા કરવાની મનાઇ ફરમાવે
છે, અન્ડરવેર ન પહેર્યો હોય તો પેન્ટની ચેન ધીમેથી બંધ થાય એની તકેદારી રાખે છે,
સીંદરી બોમ્બની વાટ કઢાવડાવે છે, છોકરાવાળાઓ જોવા આવે ત્યારે માથામાં ખંજવાળાય ન
જવાય અને મોટેથી હસી ન જવાય એનો કંટ્રોલ રાખે છે.
પણ આ સાલ્લી સમજની એક વિચિત્ર વાત તને કહું..?!
આ ‘સમજ’ મારી બેટી ભલે ગમે તેટલી ‘સમજદાર’ હોય પણ એ એમને એમ નથી આવી
જતી. એને મારી-ચોળીને ઘાલવામાં આવે છે, ઠૂંસવામાં આવે છે. જનમથી તારામાં કે
મારામાં સમજનો કોટો નથી ફૂંટેલો હોતો, કોઇના ગગાને કે ગગીને છઠ્ઠીમાં જોવા લાવેલી
ડોસી એને હાથમાં ઝાલીને, એની સામે જોતાવેંત એમ નથી કહેતી કે, ‘અલી એય, તારું રતનતો
ભારે સમજું..’
તો જો આજે તારા પાડોશવાળા માસી કે તારા બાપાનાં કૉલીગ કે પછી તું ખૂદ
તને સમજદાર માનતો હોય તો તું હશે, હા, તું ‘સમજદાર’ હશે. પણ આ સમજને હજી એક લફરું
છે…સમજ પ્રત્યક્ષ નથી પરોક્ષ છે, એ સ્વાવલંબી નથી એ ટેકા પર નભે છે, તારામાં એ
સમજ કયા સંજોગોમાં અને કોના દ્વારા આવી છે એના પર.. તારા પોતાનાં ‘સમજદાર’ દિમાગે એ
ક્યાંકથી આવેલી ‘સમજ’ને કેટલી અને કેવી મારી-મચોડીને સ્વીકારી છે એના પર.. એ સમજને
તું કોના પર કયા એનવાયરોમેન્ટમાં અપ્લાય કરે છે એના પર……
તો આ સમજ એ એ બાવો છે જેનાં નામથી હંમેશા કોઇને કોઇ તને અને મને
ડરાવતું આવ્યું છે કે, ‘જો હમણા પેલો બાવો આવશે હોં…’, ‘બાવા, એ બાવા..લઇજા આ
તોફાની ને…’
પણ સમજની પરે જૂનુન અને દિવાનગીનું એક એવું ખુલ્લું મેદાન છે કે જ્યાં
વધારે કંઇ નવીન નહીં તો કંઇ નહીં પણ બધું ‘ખુલ્લું’ છે, ત્યાં કોઇ નહીં તો કંઇ
નહીં તને ‘તુ’ મળી જઇશ…રોકસ્ટારમાં રણબીર કે છે ને , ‘પતા હૈ, યહાઁસે બહોત
દૂર, ગલત ઓર સહી કે પાર, એક મેદાન હે, મેં વહાઁ મીલુંગા તૂજે’