બસ એમ જ

સામે આવવાનું!

અમુક બીજાઓએ પણ કીધું, મેં ખૂદે પણ ઘણી વખત વિચાર્યું અને ક્યારેક તો
બસ લખી જ નાખું એવું નક્કી કરીને પેન હાથમાં લઇ જ લીધી પણ ત્યાં એકાદું કામ યાદz
આવી ગયું કે કોઇક આવી ગયું કે પછી ખરેખર અંદરથી કંઇક આડે આવી ગયું!
મેં ક્યારેય કાગળ પર કશું ‘લખ્યું’ જ નથી આજ સુધી.
ના રે, એમ નહીં! પરીક્ષાઓ તો મેં પણ પાસ કરી છે અને હું પણ આ ‘મલ્ટીપલ
ચોઇસ ક્વેશ્ચન’ની પહેલાનાં જમાનાનો જ છું, મેં પણ સપલીઓ ભરી છે(ક્યારેક-ક્યારેક!),
મેં પણ રીફીલો ખાલી કરી છે, મેં પણ બીજામાંથી જોઇ-જોઇને ટીવી જોતાં-જોતાં નોટો ભરી
છે. પણ એ લખવું અને ‘આ’ લખવું એમાં જીવ્યે જવું અને ‘જીવતાં જ જવું’ એટલો ફરક છે.
આમતો કોઇ દિવસ મેં વિચાર્યું નથી પણ એવું લાગે કે મને શરમ આવતી હશે કે
એ કાગળ કદાચ કોઇ વાંચી લેશે તો! ના, મને લાગે છે કે શરમ કરતાં બીક લાગતી હશે કે એ કાગળ
ફરીને ક્યાંકથી એકાદ દિવસ મારી જ સામે આવી જશે તો!!
મારા જ કોઇક દિવસનાં વિચારો, મારું જ કોઇક દિવસનું પ્રતિબિંબ મારી
સામે છતું થશે તો!!
એ જે-તે દિવસનો હું આ આજનાં ‘હું’ને કઇ રીતે જોશે? એ જે-તે દિવસનો હું
આ આજનાં ‘હું’ની મજાકનું પાત્ર બનીને કદાચ મારી જ નજરોમાંથી હું ઉતરી જઇશ તો? કદાચ
એ જે-તે દિવસનો હું એટલો પીટાય ગયો હશે અને એ આ આજનાં ‘હું’ની અદેખાય કરીને કદાચ
વધારે ખૂદને પીટતો થઇ જશે તો?
પણ ખબર નહીં હવે મને નથી શરમ આવતી કે નથી બીક લાગતી હું લખું છું,
મારા દિમાગમાં લખું છું, મારા લેપટોપમાં લખું છું, કાગળ પર લખું છું, પેનથી,
કી-પ્રેસથી, વિચારોનાં વમળમાં કાંકરાં ફેંકીને લખું છું.
પણ એટલું ઓ પાક્કું જ છે કે આ બધું ફરીને એકાદ દિવસ મારી જ સામે
આવવાનું!
ત્યારનો હું અત્યારનાં આ ‘હું’ કરતાં કેટલો અલગ હશે, આજનાં આ ‘હું’ને મજાકની,
માનની કે બસ એવી જ અમસ્તી નજરે જોશે એની મને નથી ખબર પણ અત્યારનાં આ ‘હું’ને અત્યારે
લખવાની મજા આવે છે, મને બસ એટલી ખબર પડે છે…