સ્વાભાવિક

સાથ.

વસંતપંચમી અને વેલેન્ટાઇન્સ ડે સાથો-સાથ ગયા, બાજુના ઘરે દૂધ દેવા
આવતાં ભાઇને કશો જ ન ફરક પડ્યો, ગૂગલવાળાઓએ ફજરમાં સામ-સામા જનાવરોને લાવી એમનું
સેટીંગ કરાવ્યું, વળી પેલાએ લાલ ગુલાબ ખરીદ્યું, તો પેલીએ નવું પોચું તકીયા જેવું લાલ,
દીલનું કીચન પોતાના એક્ટીવાની ચાવી સાથે લગાવ્યું કે જે એને કોણે આપ્યું એ ઘણું
પૂછવા છતાં હજુ સુધી એણે એની ફ્રેન્ડ્ઝને નથી કીધું, કોઇ પપ્પાએ પોતાની થોડી ‘હાથછૂટ્ટી’
વહાલસોયી પર વોચ રાખી, કોઇએ ‘આવી ઘેલસફ્ફાઇ હોવી જ ન જોઇએ, આપણી સંસ્કૃતિનું
નિકંદન થઇ રહ્યું છે’ નાં નારા સાથે ગળા બેસાડ્યા તો આ બધી દરવખતની વાતની જેમ જ
ફરી એકવારા એ વાત પણ એની એ જ રહી..
પણ કઇ વાત, એ તો કહે?
બીજાના સાથની વાત..
બાપાએ વોચ ક્યારે રાખી છોરી હતી તો ને, ગૂગલવાળાઓએ આવું ડૂડલ શું કામ
મૂક્યું, લોકો એને જુએ એટલા માટેને, પેલીની ફ્રેન્ડ્ઝુ એને કીચેન કોણે આપ્યુંની
પાછળ ક્યારે પડી, એમણે પણ પેલીને કોઇક બાબત માટે પોતાની પાછળ ક્યારેક પડવાનો મોકો
દેવો હશે ત્યારે ને, પેલા એ લાલ ગુલાબ કોના માટે લીધું, ‘કોઇક’નાં માટે જ ને,
સંસ્કૃતિનાં રખેવાળો જાગ્યા શું કામ, કોઇક સંસ્કૃતિનું ‘નિકંદન’ કાઢી રહ્યું હતું
ત્યારેજ ને!!
દોસ્ત, મને અને તને, શામજીભાઇ અને નિર્મળાબુનને, પેલી ડોરાળી ભાભીને
અને પેલા લંબુ કાકાને, ડાયાઅદાને અને ઉકીફઇને બધાને કોઇકનાં સાથની જરૂર છે પછી એ
પંચાત કરવા માટે હોય, નેઇલ પોલિશ રંગવા માટે હોય, કોઇની ચાડી ખાવા માટે હોય, કોઇની
સાથે પિક્ચર જોવા જવા માટે હોય, કોઇની ઘોર ખોદવા માટે હોય,વરસાદમાં ન્હાવા જવા
માટે હોય, રંગોળી કરવા માટે હોય, ખાતું ખોલાવા માટે હોય, બકાલું લેવામાં હોય, ‘હલકું’
થવા જવામાં હોય, ગિરનાર ચડવામાં હોય કે બર્થડે સેલિબ્રેટ કરવામાં હોય દોસ્તોની,
સગા-વ્હાલાઓની, સંબંધીઓની જરૂર હોય છે.
અહીં જરૂરનો મતલબ ગરજ નથી પણ એમની હાજરીની વાત છે. આપણને ગમતા લોકો
જ્યારે આપણા આનંદને વહેંચવા માટે સહભાગી બને ત્યારે બેશક મજા આવે છે, આપણા મોં પર
હસી રહે છે અને સાલ્લી ક્યારેક-ક્યારેક ઘાંય-ઘાંયામાં આ વાત ભૂલાય જતી હોય છે કે
સામેવાળાને પણ આવી જ લાગણી અનુભવવી હોય છે, એને પણ પોતાનાં ગમતાં, તારા-મારા જેવા
લોકોની સાથે પોતાની હસી, પોતાનાં ગમતી પળો વહેંચવી હોય છે, એમને પણ આપણા જેવી મજા
માણવી હોય છે પછી એ સામેવાળો આપણી મમ્મી, આપણા દોસ્તોમાંથી કોઇ, આપણા પપ્પા, આપણા
કોલીગ, આપણી બહેન, સવારે જોગીંગમાં એમનાં કૂતરા સાથે મળી જતાં આંટી, આપણી પ્રિયતમા,
આપણા મનનો માણિગર..કોઇપણ હોઇ શકે, હેને!
તો પછી આપણે જેમને ગમીએ છીએ અને આપણને જેઓ ગમે છે એમને હંમેશા સાથે રાખીએ
અને એમની હંમેશા સાથે રહીએ..ઇન્જોય વસંત..