જુદું કંઇક

શબ્દપણું

મને બોલ પોંઇન્ટ પેનનાં છરાનું શાહીની લુગદીમાં
ડૂબકી લગાવવું પસંદ છે, મને શબ્દોનું પવન સાથે ઉડવું અને એમનું પેપર વેઇટ નીચે
દબાવું પસંદ છે, મને વાર્તાનું એક પછી એક અસ્તર ઉથલવું પસંદ છે; મને મારા હાથે
કાગળ પર લખવું પસંદ છે.
તને ખબર હોય કે નહીં, કદાચ તને નવીન પણ લાગે પણ
કોરા કાગળ અને લખાયેલા કાગળની સુગંધમાં ફેર પડી જાય હોં! ના, સુગંધવાળી શાહીની વાત
નથી કરતો પણ એ કાગળ પર લખાયેલાં લખાણની સુગંધની વાત કરું છું.
ના રે ના, એટલે હું કંઇ પ્રીન્ટીંગ, ઝેરોક્ષ કે
સોફ્ટ કોપીની વિરુધ્ધ બંડ નથી પોકારતો પણ અમસ્તી વાત કરું છું કે હાથે લખાયેલા
લખાણ અને છપાયેલા લખાણને બહેનોએ વણેલાં અને ધીમા તાપે લોઢી પર સેકેલા ખાખરા અને એક
છેડે કાચો લોટ નાખી બીજા છેડે ડાયરેક્ટ પેકીંગ નીકળતાં મશીનનાં ખાખરા સાથે સરખાવી
શકાય.
મગજની સાથે હાથનું તાલ-મેલ અને હાથની સાથે આંગળીઓ
અને આંગળી વચ્ચે રમતી પેનનું તાલ-મેલ જાણે કે કાગળ પર લખાતાં શબ્દો અને મગજમાં
સ્ફુરતાં વિચારો વચ્ચેનું એક વાસ્તવીક જોડાણ કરાવી દે છે. આમ બાજુ મગજમાં જે પાકતું
જાય છે, એ હાથ રૂપી અન્નનળીમાંથી થઇને પેન રૂપી જઠરમાં વલોવાયને કાગળની એ આંતરડા
રૂપી લાઇનોમાં ભરાતું જાય છે અને પછી એ મગજનું પાકેલું વાચકનાં પોખરા રૂપી
દિમાગમાં ફ્લશ થવા માટે ‘ગરમા-ગરમ’ રેડી હોય છે.
માઉસ પર ક્લીક કર તોયે પેઇજ બદલે, પેડ પર ફીંગર
સ્ક્રોલ કર તોયે પેઇજ બદલે, સ્ક્રીન પર જરા અમસ્તું ટચ કર તોયે પેઇજ બદલે અને
આંગળીનાં ટેરવાને જીભનાં ટેરવા પર જરાક ભીનું કરી પેઇજની કોર પરથી એને ઉથલાવીને પણ
પેઇજ બદલે. ઑફીસમાં કોમ્પ્યુટર સ્ક્રીનમાં ભોડું ઘાલી રાખીશ તોયે સનસેટ થશે, કોફી
મગમાંથી ચૂસકી લેતો-લેતો બારીમાંથી સૂરજને ડૂબતો જતો જોઇશ તોયે થશે, કારનું સનરુફ
હટાવીને આકાશનાં બદલતાં રંગોને જોતો જોતો ડ્રાઇવ કરતો જઇશ તોયે સનસેટ થશે, તારા
ગમતાં સાથી સાથે ગોઠણ ડૂબ પાણીમાં દરીયાકિનારે એની આંગળીઓ વચ્ચે તારી આંગળી
ફસાવીને ઘડીક વાર એની સામે અને ઘડીક વાર સામી ક્ષિતીજે નજર બદલતો રહીશ તોયે સન સેટ
તો થશે જ.
મને એ શબ્દોનું ડુચ્ચો વળી ડસ્ટબીનમાં જવું પસંદ
છે, મને એમનાં પર ક્યારેક ચાનાં કપનાં તળીયાનું ગોળ ચકામું પડવું પસંદ છે, મને શબ્દોનું
ફાટવું પસંદ છે, મને શબ્દોનું એ શબ્દપણું પસંદ છે.