પરે સાવ

શુક્રગુઝાર છું.

મને બધી ખબર જ છે કે આ બધું મને એટલે જ સુજે છે કે મારું પેટ ભરેલું
છે, પણ હવે ભરેલું છે તો એને ખાલી કરીને રઝળપાટ કરવા કરતાં ફોર અ ચેન્જ ભરેલા પેટ
સમયનાં વિચારોને કેમ ન ટાંકી લઉં?! અને બાય ધ વે, તારે પણ કંઇ વધારે ટીકા-ટિપ્પણી
કરતાં પહેલાં એ જોઇ લેવું જોઇએ કે તારી પાસે એટલી સહુલીયત તો છે જે તું મારો બ્લોગ
વાંચવા સુધી પહોંચી શક્યો એટલે આવ ભાઇ હરખા..આપણે બેઉ સરખા!
વેલ, સહુલીયતની વાત કરી છે જે આપણા ‘બધા’ની સહુલીયતની વાત કરી લઇએ.
હા, પછી એ ખુલ્લા આકાશની ચાદર ઓઢીને સૂતેલાં ભિખારીની વાત કરતાં હોઇએ કે પછી
કંઇકને સફેદ સાલો ઓઢાળીને પોતે પ્રેમથી ક્યાંક ‘બીજે’ આળોટતાં માલ્યાસાહેબની વાત
કરતાં હોઇએ, બધા પાસે એ સહુલીયત છે, એવી કઇ સહુલીયત?- જિંદગીની સહુલીયત!
આપણી બધા પાસે માનવ જિંદગી છે. ના, હું કોઇ વેવલિ-વેવલિ વાતો નથી
કરવાનો પણ શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ, ગળા સાથે થોડી ઘસડાતી જતી અને છતાં અંદર
રાહત આપતી રાબ જેવી ‘હા’, ‘હા’ કહેતાં ના કહેવાનું મન થઇ જાય અને ‘ના’, ‘ના’
કહેતાં હા કહેવાનું મન થઇ જાય એવી વાત કરવાનો છું.
આપણે જે જનાવર ચાહિયે એને પકડી શકીએ છીએ પછી ભલે એ આપણને ચપટી વગાડતાં
સ્વધામ પહોંચાડવાની ક્ષમતાં રાખતું હોય, આપણે આકાશે ઉડીને વળી પાછા નીચે સહીસલામત
ઉતરી શકીએ છીએ, આપણે કોકો જેવી કડવી વસ્તુંમાંથી આખી દુનિયાનાં લોકોની ભાવતી
વસ્તું ‘ચોકલેટ’ બનાવીને એનો સ્વાદ માણી શકીએ છીએ, આપણે બાજુ-બાજુની ચાર આંગળીઓની
લસરકી પકડની સાથે એને 90 ડીગ્રીએ આવેલાં અંગૂઠાથી વસ્તુને સજ્જડ ઝાલી એનો ઉપયોગ
કરી શકીએ છીએ, આપણે ન જાણે કેટલી ભાષા ઇશારાઓ, રંગો, સુગંધો અને સ્પંદનો સમજી અને
એને અનુરૂપ વર્તી શકીએ છીએ.
હા, એમાં કોઇ શંકાને અવકાશ નથી કે એ આપણે આપણી રીતે સમય સાથે ખુદને
બદલીને આ બધું ઉભું કર્યું છે, ‘સધ્ધર’ થયા છીએ પણ એટલું પણ ખરું કે આ દરમીયાન
આપણે એકલા ન હતાં, આ સમગ્ર સફર દરમીયાન કોઇ હંમેશા આપણી સાથે જ હતું. કોણ?- કુદરત.
કુદરતની જ વાત નીકળી છે તો એની હજી એક વાત તને કરી દઉં, આમ આપણી સાથે
રહેવું એ કુદરતની કોઇ કૃતજ્ઞતાં નથી પણ આ એની જોબ છે, અને એ પોતાની આ જોબ ફક્ત
આપણા માટે નહી પણ બધા માટે બજાવતી આવી છે. આપણે ન હતાં ત્યારથી લઇને અત્યાર સુધી.
અને એને આપણી સાથી પણ એવો કોઇ લગાવ બંધાયો હોય એવી કોઇ સંભાવનાને અવકાશ નથી કેમ કે
કુદરતે એટલું અને એવું-એવું જોયું છે કે એના માટે આપણી વિકસાવેલી આ ‘સહુલીયતો’વાળી
દુનિયા કોઇ માયને નથી રાખતી તો તારા માટે સહુલીયતનો જે મતલબ હોય એ પણ એ બધું એક
દિવસ જવાનું છે, તું એક દિવસ જવાનો છે.
તો મારી એક વાત માન, આવી કોઇ પણ ભૌતિક વ(*)ડવાઇથી તારી કે કોઇ બીજાની
જાતને આંકવાની જો તે અત્યાર સુધીમાં ક્યારેય ભૂલ કરી હોય તો ત્રણ વખત બોલી જા, ‘હું
કમઅક્કલ છું..હું કમઅક્કલ છું..હું કમઅક્ક્લ છું’ અને હવે બોલ ‘કુદરત, હું જાણું
છું કે તું ફક્ત તારું કામ જ કરે છે પણ છતાંય હું તારો શુક્રગુઝાર છું મને આ જિંદગીની
જાહોજલાલી આપવા બદલ.’