વિચારતું કરશે

સ્ટ્રેંજ બટ ટ્રુ સ્ટોરી.

હમણાં એક સાંજનાં ગાર્ડનમાં એક ઝાડ પાછળથી નાની-નાની ઘણી બધી હસીઓનો
એકસાથે ‘ખી-ખી-ખી-ખી’ નો અવાજ આવતો સંભળાયો. મને થયું આ નાના ટાબરીયાઓ ભેગા થઇને
કંઇક કરતાં લાગે છે લાવને છાનોમાનો જોઉં તો ખરો કે ભેજાબાજો કરે છે શું!? એટલે મેં
જરાક દૂર જઇને પાછળની બાજુએથી ડોક જરાક લંબાવીને જોયું તો સાલ્લું આશ્ચર્ય થયું,
ત્યાં એકે ટાબરીયું ન હતું. મને થયું કે મને સાંભળવામાં કંઇક લોચો લાગ્યો હશે જે
હોય તે એમ વિચારીને હું જેવો પાછો જતો હતો એવો ફરીથી એવી જ ઝીણી-ઝીણી
‘ખી-ખી-ખી-ખી’નો અવાજ સંભળાયો. ના, ના મેં કીધું આ વખતે તો કંઇ જ ભૂલ નથી થતી. આ
વખતે તો હસવાનો જ અવાજ હતો અને એ જ ઝાડની પાછળથી આવ્યો હતો. મને થયું લાવ હવે તો
ત્યાં જઇને જ જોવા દે, જેવો હું ત્યાં ઝાડ પાસે જવા જતો હતો એવું મેં ત્યાં પીળા
કલરનાં નાના-નાના પતંગીયાનું એક ટોળું ઘાંસ પર થોડે ઉંચે ઉડતું જોયું. એ પાંચ-છ
પતંગીયા એક જ પેટર્નમાં ત્યાં ને ત્યાં જ ગોળ-ગોળ ઉડ્યે જતાં હતાં અને ઝીણું-ઝીણું
હસ્યે જતાં હતાં. તો હવે કનફર્મ થયું કે એ ‘ખી-ખી-ખી-ખી’નો અવાજ અહીંથી જ આવતો હતો.
પણ એ તોફાનીઓ અહીં-તહીં ભાગતાં રહેવાંને બદલે ત્યાંને ત્યાં જ કેમ
ઉડ્યે રાખતાં હતાં અને એ પણ ગોળ-ગોળ?
ત્યારે મારી નજર એ ઘાંસમાંથી થોડા-થોડા બહાર દેખાતાં એ આછાં-ઘાટાં
અષ્ટકોણ આકારનાં ચકામાં પર પડી, એ ત્યાં બેઠેલા કાચબાની પીઠ ફરતે ઉડ્યે રાખતાં
હતાં અને એ કાચબાની મસ્તી કરીને એકબીજા સાથે ‘ખી-ખી-ખી-ખી’ કર્યે જતાં હતાં.
એક કહે; ‘અરે કાચબાકાકા, ચાલોને રેસ લગાવીએ!’, તો બીજો કહી, ‘કાચબાકાકા
તમે હજાર કીલોમીટર તો ચાલી લીધું હશેને, તો હવે તમારી ગાડી રાઉઝ થઇ ગઇ હશે હોં!
હવે તો તમે ચાલીસની ઉપર તમારી ગાડી ચલાવી શકશો, બિન્દાસ્ત!’, તો વળી ત્રીજો કહે, ‘અલ્યા
એય વધારે ડાયો થામાં, કાચબાકાકાને જો વધારે ગુસ્સો આવી ગયોને તો ચિત્તાને પણ પાછળ છોડી
દેશે હોં, હે ને કાચબાકાકા!’
મેં જોયું તો કાચબો તો એની મસ્તીમાં જ ત્યાં પડ્યો-પડ્યો એ બદામનાં
ઝાડમાંથી ખરેલી બદામ કોતરતો-કોતરતો ખાયે જતો હતો એને પેલાં પીળા પતંગીયા વધારે કંઇ
પરવાહ હોય એવું લાગતું ન હતું.
આવું ને આવું મેં ઉપરા-ઉપરી ત્રણ-ચાર દિવસથી ચાલતું જોયું, પેલા
મસ્તીખોરો કાચબાની વધારેને વધારે ચૂગલી કરતાં જતાં હતાં. એટલે તે દિવસે તો મેં
ત્યાં બદામનાં ઝાડ પાસે પહોંચી એ બધા બારકસોને ત્યાંથી ઉડાવી મૂક્યાં.
મેં રોજની જેમ બદામ કોતરતાં કાચબાને પૂછ્યું, ‘અલ્યા તને આ લબાડો પર
ગૂસ્સો નથી આવતો?’
એણે બદામને જરાક બાજુએ મૂકી અને મારી સામે જોઇને એ ડચકારો કરતાં
કહ્યું, ‘ના રે ના!’ અને એ ફરી મારી સામેથી નજર હટાવી, બદામને ફેરવી, બીજી સાઇડથી
બદામને કોતરવાં લાગ્યો…! એ બદામનાં ઝાડથી હું હજી સાત-આઠ ડગલાં જ દૂર ગયો હોઇશ
ત્યાં જ એ પીળા પતંગીયાની ફોજ ફરી એના કામે લાગી ગઇ હતી અને કાચબાકાકા એનાં કામે
લાગી ગયા હતાં…!! સ્ટ્રેંજ બટ ટ્રુ સ્ટોરી.