બેફિકરું

સ્વાભાવિક, હંહ!

લે તને કહી દઉં સ્વાભાવિક શું છે,

સ્વાભાવિક છે પછવાળાનું ફાટવું,
સ્વાભાવિક છે તારા વ્હાલાનું મરવું,
સ્વાભાવિક છે ગુસ્સાનું આવવું,
સ્વાભાવિક છે હેંડ્સ ફ્રીમાં એક કાનનું ન ચાલવું,
સ્વાભાવિક છે ઘોડાનું અઢી ડગલા હાલવું,
સ્વાભાવિક છે આઉટ થવા આવીએ એટલે ટાઇમ પ્લીઝનું બહાનું કાઢવું,
સ્વાભાવિક છે પહેલા બોલે સીક્સ લાગે તો એ બોલને ટ્રાયલ જાહેર ન કરવું,
સ્વાભાવિક છે મળે એટલું લઇ લેવું,
સ્વાભાવિક છે આપણે બધું જ સારું કરીએનું રટણ ગાવું,
સ્વાભાવિક છે પોતાની લુચ્ચાઇને શાણપણમાં ગણવી,
સ્વાભાવિક છે બીજાનાં પર બીજા કોઇએ કરેલાં જોક પર હસવું,
સ્વાભાવિક છે ‘બધેથી-બધામાંથી સારું લઇ લઇએ’ કહેતાં-કરતાં દિવસો
કાઢ્યે જવું,
સ્વાભાવિક છે અમુક મકાઇનું ન ફૂટવું.
સ્વાભાવિક છે ગમે તેટલું ધ્યાન રાખવા છતાં પેન ડ્રાઇવનું ખોવાવું,
સ્વાભાવિક છે ‘સૌ સારાવાનાં થશે’ સૂત્રને મૂળ મંત્ર બનાવવું,
લે તને કહીં દઉં,
સ્વાભાવિક છે આ લખાણને ડિમોટીવેટીવ માનવું,
સ્વાભાવિક છે માણસનું હંમેશા માણસ જ રહેવું.