જરા ટેઢું

તેં તો આખું ગામ ગજવ્યું, ભૈ!

એવું નથી કે પાછું આવવું જ પડે છે,
ઘણે..ઘણે.. અને હજી એથી પણ ઘણે..ઘણે.. આગળ નીકળી જઇ શકાય છે–
ના, જવાબ આપવો જ પડે છે એવું નથી,
ક્યારેય કોઇ સવાલ જ ન પૂછે ત્યાં સુધી પહોંચી શકાય છે–
‘મંઝીલે પહોંચી જ જવાય છે’, એવું મેં બસ સાંભળ્યું જ છે,
પણ મને લાગે છે કે આ મજાનો રસ્તો કોઇ દિવસ ખૂટે જ નહીં એવું પણ બની
શકે છે–
બધાએ ‘સૂધરેલા’
હોવું કોઇ હિસાબે વ્યવહારીક વાત નથી લાગતી મને,
બગડેલાઓ પાસે પણ પોતાનાં ‘સૂધરેલા-બગડેલા’ માટેનાં ધારા-ધોરણો હોય શકે
છે–
ભારે અને હલકું એકસાથે જ ત્રીજે માળેથી જમીન પર પહોંચે: વિજ્ઞાને
કહ્યું,
પ્રયોગનાં નામે, મોબાઇલ અને લેપટોપ બન્નેને એકસાથે રજા આપી શકાય છે–
સનસેટ પોંઇટ પર ભીડ ભલેને રાહ જોતી રહી જાય,
કોઇક સાંજે સૂર્યને અસ્ત થવાની આળશ પણ ચડી શકે છે–
આવી નાની-નાની વાતોમાં ‘ચમત્કાર-ચમત્કાર’ કરીને ગામ ન ગજવ,
મરીને પણ સદાકાળ જીવતું રહી શકાય છે–