ભેદી

તું લખે છે શું કામ?

‘હું લખું છું શું કામ?’- આ સવાલ થયો એક વખત મને…
‘જે ‘બહાર’નાં જગતમાં કંઇ ઉકાળી ન શકે ને એવા ને આવા બધાં નાટક સૂજે’,
‘જેને કોઇ પ્રત્યક્ષ ઓળખાણ જેવું ન હોય એવા બધા આવી રીતે નેટ પર લખી-લુખીને બીજાની
નજરોને પોતાની તરફ ફેરવવાનાં નમાલા પ્રયાસો કરે, આ એવા પ્રયાસોમાંનો જ એક!’,
‘જડબાની ઉપર-નીચે, આગળ-પાછળ ઉગેલી ડહાપણ દાઢનાં ધમપછાળા, બીજું શું?’…
આવા બીજા ‘સરસમજા’નાં કારણો પર મેં વિચારી જોયું પણ તારી પાસે ખોટું
નહીં બોલું…આમાંથી એકે સાથે મારો કેસ ફીટ ન બેઠો..
કદાચ આ વાત મેં ‘વિયુક્ત’માં એકાદ વખત કહી છે; એક વખત મેં મોરારીબાપુને
કહેતાં સાંભળેલા કે, ‘મને ક્યારેક-ક્યારેક અંદરથી એટલી મજા આવે કે મને એમ થાય કે આ
સાલ્લીને બહાર કેમ કાઢું, હું બસ એમને એમ જ કૂદવા લાગું, મને એમ થાય કે ક્યાંક હું
ફાટી ન પડું’…
આનો અર્થ સમજાયો? આ શેની મજાની વાત થાય છે, ‘અંદર’ની એટલે આ કેવી
મજા?- આ મજા એવી છે કે જે આપણને આપણી પૂર્ણતાથી મળે, આપણને કૂદરતનાં આપણા પરનાં
ભરોસાથી મળે, આપણને આ સ્વીકારી લેવાથી મળે કે, હાલથી વધારે એકેય કાલ, ન ગઇકાલ કે ન
આવતી કાલ, રળીયામણી નથી…
અને જ્યારે આવી મજા કે જેને અહી ‘અંદર’ની મજા કહી છે એ આવવાં લાગે
એટલે પછી એનો એક જ વિકલ્પ રહે કે એને કેમે કરીને ‘બહાર’ કાઢો! કેમ કે એને અંદરને
અંદર ખમવી, ડામવી શક્ય નથી.
ના, હું મારી સરખામણી નથી કરતો પણ મારી પાસે નથી અને મોરારીબાપુ પાસે
એ મજા વહેંચવા, એને બહાર ઠાલવવાં એમનાં શ્રોતાઓ છે પણ લાઇફ માટેની એ ‘અંદર’ની મજા
મારે માટે પણ એજ રીક્ટર સ્કેલની છે જે મોરારીબાપુ માટે છે અને કદાચ તું જો એ મજા
અનુભવતો હશે તો તારે માટે પણ એજ રહેવાની.
તો બસ મેં લખવાનું શરૂ કરી દીધું..
ચિક્કારમાં ઉમેરાતી જતી આ મજા,
છલકાય દડ-દડ વહી જતી આ મજા-
તરબતર કરી ના ધરાતી આ મજા!