ભેદી

ઉજાગરા-ધજાગરા-

આમ તો ટ્રેનમાં મને એટલી ઉંઘ આવે નહીં પણ તોયે આગલા દિવસે એક્ઝામનું છેલ્લું પેપર પૂરું કર્યું હોય અને બોય્ઝ હોસ્ટેલનો એ રાતનો માહોલ કેવો હોય એતો કદાચ જે કોઇ આવા માહોલનો ભાગ બનેલા હોય એ જ કલ્પી શકે!

તો કોલેજનાં બીજા વર્ષની ફાઇનલ એક્ઝામનું પત્યાં પછીનો આજે પહેલો દિવસ છે. ઘરેથી તો મને ઘણી વખત પૂછી લેવાયું હતું કે એક્ઝામ એક્વીસમીએ પતે છે અને તું બાવીસમીએ કેમ નીકળે છે?

ગર્વ તો કદાચ લેવા જેવું નહીં પણ બહાનાં બનાવવામાં હું થોડો વધારે જ હોશીંયાર છું એટલે કેટલાય હોસ્ટેલનાં ‘જિગરી’ઓનું ‘દિલ’ તોડીને અને ઘરે ‘સમજાવી’ને મેં બીજે દિવસે સવારની ટ્રેનની ટીકીટ જ્યારની એક્ઝામની ડેટ આવી ત્યારની કઢાવી લીધેલી.

જો કંઇ લોચો ન પડે વચ્ચે તો આઠ કલાકની ટ્રેનની મુસાફરી પછી હું ઘરે પહોંચતો હોઉં છું અને મેં કીધું એમ મને ટ્રેનમાં સૂવું વધારે જામતું નથી એટલે હું લગભગ દિવસની જ ટીકીટ લેતો હોઉં અને પછી કોઇ આંટી કે કોઇ દીદીનાં નાનાં ટાબરીયાઓ સાથે કે પછી કોઇ પોલીટીક્સ્ પ્રેમી કોઇ અંકલ કે પછી ઘણી વખત કોઇ ધંધાદારીઓ સાથે ગપાટા મારવાં બેસી જતો હોઉં.

તકલીફ એ પડે કે મારી સાથે કોલેજમાં મારા સીટી સાઇડનું કોઇ નથી એટલે આવા ગતકડાં કરવા પડે પણ જોકે મને વાતો કરવાનો આમ પણ શોખ એટલે મને કંઇ ખાસ વાંધો ન આવે ક્યારેય એ આઠ કલાક કાઢવામાં. આજે પણ કંઇ નવીન ન’તું, દર વખતની જેમ આજે પણ મારી સ્લીપરની અપર બર્થ બુક હતી. પણ આજે મારી આંખો ઘેરાતી હતી કેમ કે એક્ઝામની તૈયારીનાં થોડા-ઘણાં ઉજાગરા હતાં અને કાલે પૂરી રાતનાં ધમાલનાં ધજાગરા હતાં!

હું ઉપર મારા બર્થ પર પડ્યો હતો, એકાદી ઠીક-ઠાક રસ પડે એવી ડીટેકટીવ જોનરની નોવેલ વાંચતો હતો. વચ્ચે-વચ્ચે આંખો પડતી હતી અને ખૂલતી હતી, પેલી મારી હાથમાંની નોવેલ નમતી-નમતી ક્યારેક મારા નાકનાં ટેરવાને અડીને મને જગાવી દેતી હતી હતી, બાકી પેલાં કંઇક-કંઇક વેંચવા ફરતાં રહેતાં ફેરીયાનાં અવાજો ને ફીલ્ટર કરી નાખવામાં તો મેં ક્યારનીયે સફળતાં હાંસલ કરી લીધેલી. અત્યારે મને જોકા ખાવાની મજા આવતી હતી એટલે હું નીચે ન’તો ગયો હજી સુધી.

મને ખબર નહીં ક્યારે પણ મારી એ સીત્તેર-એંસી ટકા નમી ગયેલા પોંપચા પરની પાંપણોની જાળી વચ્ચેથી અને મારી એ ખબર નહીં કેમ(!) પણ વારે ઘડીએ મારા પર નમી પડતી ડીટેકટીવ નોવેલની નીચેથી મને એનો ચહેરો દેખાયો!!

હવે જ્યારે અત્યારે ટ્રેનમાંથી ઉતરું છે ત્યારે એમ થાય છે કે શું મેં જે અનુભવ્યું કે જે હું માનું છે કે મેં જોયું એ ખરેખર હતું કે પછી એ ઉજાગરા-ધજાગરા-ચીપ ડીટેક્ટીવ નોવેલ-ટ્રેનનાં અપર બર્થનો કંઇક અતિશય અનેરો, રોમાંચક, કાઇન્ડ ઓફ મેગ્નીફીસન્ટ, મેજીકલ, ઘઉં વર્ણો, લીસો, હસમુખો કોમ્બો હતો!