પરે સાવ

વધારે વાર નથી..

એવું નથી કે સીત્તેર પછી જ તમને અત્યાર સુધી કરેલા
કામો પર ફ્લેશ લાઇટ પાડીને ગાડેલાં મુર્દાઓએને ફરીથી ખોદીને, એને ખંખેરી, એમાં
મસાલા ભરીને મ્યુઝીમમાં મૂકવાની ઇચ્છા થાય, ત્રીસે પણ થાય, સાડત્રીસે પણ અને
અડતાલીસે પણ થઇ શકે પણ મને સીત્તેરે થઇ.

ઘણું
જીવ્યો છું, કેટલું કમાયો- પૈસા લેખે, સંબંધો લેખે, નોલેજ લેખે, વ્યક્તી લેખે;
કેટલું ગુમાવ્યું- અગેઇન પૈસ લેખે, સંબંધો લેખે, નોલેજ લેખે, વ્યક્તી લેખે એ બધું
જવા દે પણ એટલું તો ખરું જ ઘણું જીવ્યો છું; સારું-નરસું જવા દે પણ એટલું તો ખરું
કે ઘણું આવતું-જતું જોયું છે.

જો કે
મને ક્યારેય કોઇએ પૂછ્યું નથી અને કદાચ કોઇ દિવસ કોઇ ન પૂછે અને અંદરની અંદર જ રહી
જાય એનાં કરતાં આ કાગળ પર લખી નાખું કે, શું ચિતાર નીકળ્યો, આ સીત્તેર અહીં આ ધરા
પર કાઢ્યા તો એનો નિષ્કર્શ શું કાઢ્યો?

—-

રાજકોટ
શહેરનાં, જ્યુબેલી બાગમાં આવેલી સરકારી લાયબ્રેરીની પહેલી મુલાકાત દરમીયાન ક. મા.
મૂનશીજીની ‘કૃષ્ણાવતાર’નાં બીજા ભાગનાં 22-23 પાના વચ્ચેથી નીચેની બાજુએથી
આડી-અવળી થઇને ભેજને લીધે અને ‘બુકવર્મ’નાં ભોજનનાં ભાગ રૂપે કાંણા-કાંણા પડે
ગયેલી હાલતમાં ફાટેલી ચિઠ્ઠીમાં કોઇએ હાથેથી આટલું લખેલું કંઇક મળેલું..મેં ત્યાં
ખૂણામાં મૂકેલાં ઘોડા પરનાં દરેલ સેલ્ફ પરની એનાં જેવી બીજી ઘણી બુક્સ ફંફોસી, એ
કૃષ્ણાવતારનાં તો પાને પાનાં ફેરવી નાખ્યા પણ કંઇ જ મળ્યું નહીં. ચારેક વર્ષ
પહેલાંની વાત છે આ. જો કે આજે પણ ક્યારેક ફ્રી હોઉં તો લાયબ્રેરીનું ચક્કર મારી
આવું.

ના, ના
કંઇ વાંચવા નહીં…બસ એમ જ.

ઘણી
વખત એમ થાય કે સાલ્લું શું લખ્યું હશે બાકીની ફાટી ગયેલી ચિઠ્ઠીમાં…કંઇ જવાબ ન
મળે એટલે પછી થાય કે હવે ક્યાં વધારે વાર છે– પાંત્રીસેક વર્ષમાં તો ખબર પડી જ
જવાની છે….