જુદું કંઇક

વિચારતો હતો. હું.

વિચારતો હતો.
બે ઉદાહરણ સામ-સામે મગજમાં આવ્યા; એક વિડીયો જોયો હતો, જેમાં સાત-આઠ ‘આતંકવાદીઓ’ મોંઢા પર કાળું કપડું વીટીને એમની આગળ ઘૂંટણીયે પડીને બાંધેલી, લોહીં-લુહાણ હાલતમાં સામે બાજુએ મોં કરીને બેઠેલાં બીજા સાત-આઠ જણાનાં ખભ્ભા પર મોટ્ટું તલવાર જેવું ચપ્પું એ લોકોનાં ગળા પાસે રાખીને ઉભા હતાં, પછી કોઇક કંઇક બીજી ભાષામાં બબડ્યું, પછી એ સાતે-આઠે ચપ્પુવાળાઓ મોટેથી કંઇક બરાડીને ધીમે-ધીમે એ ચપ્પું એ લોકોનાં ખભ્ભા પરથી એમનાં ગળાઓમાં ધીમે-ધીમે અંદર ઉતારતાં ગયા, લોહીની રીતસર લાલ, ઘાટી નદી વહેવા લાગી.
છાપામાં એક ભાઇનાં ફોટો સાથે આર્ટીકલ વાંચ્યો હતો. અનાથ આશ્રમ, ઘરડા ઘર અને પોલીસ પણ એમનું કામ પતી ગયા પછી આ ભાઇને જ યાદ કરતી. એ ભાઇ વર્ષોથી બિનવારસી લાશોનાં અંતિમ સંસ્કાર કરે છે.
આ બે ઉદાહરણ પરથી મને વિચાર આવ્યો કે, માણસની સમજ અને લાગણી સાપેક્ષ છે. સાપેક્ષ એટલે રીલેટીવ. એટલે અવલંબીત જેવું કહી શકાય, કોઇકનાં ઉપર ડીપેન્ડેન્ટ, નભે છે.
આપણને કશુંક ન ગમે એ ન ગમવાનું આપણું કારણ કદાચ બીજાને એ વસ્તું ન ગમવા પાછળનાં કારણ કરતાં સાવ જુદું હોય શકે. આપણને કંઇક ભાવવા પાછળ, કોઇ છોકરી ગમી જવા પાછળ, કોઇ મુવી કંટાળાજનક લાગવા પાછળ, કોઇ વાસમાં ઉલ્ટી થવા પાછળ, કોઇકનાં ખભ્ભે માથું ઢળી જવા પાછળ, એકને એક સોંગ શફલમાં સવારથી સાંજ રીપીટ કરવા પાછળ જે કોઇ પણ રીઝન હોય એ આપણાં રીઝન છે. આપણાં પોતાનાં.
તો એટલું તો માની જ શાકાય કે એ કાળા કપડા વીંટેલાઓને પોતાનાં રીઝન હશે. મને અરેરાટી છૂટી ગઇ એ જોઇને, અને એ થવા પાછળ મારી પાસે મારા રીઝન્સ છે.
હવે જ્યારે આ લખું છું ત્યારે મને વિચાર આવે છે કે, ખરેખર આ બધું હોય શું શકે!!
હું તને કહું છે શું આ બધું!? આ બધી માયા શેની છે..!?
આપણાં બધ્ધા પાસે સમય છે. કોઇ પાસે 28 વર્ષનો, કોઇ પાસે 20 દિવસનો, કોઇ પાસે 60 વર્ષ તો વળી કોઇ વળી કોઇ 100 વર્ષ પણ જીવી જતાં હોય છે.
આપણી જિંદગીમાં આપણે મરીએ નહીં ત્યા સુધે આપણે ટાઇમ પાસ કરવાનો છે.
અને એ કરવા માટે આપણે આપણી સમજ મુજબ ઘણાં-ઘણાં ગતકડાં શોધી લાવીએ છીએ. અને એથી પણ આગળ, આપણે આપણી લાગણી મુજબ બીજાઓએ પોતાની સમજથી જે ગતકડાં શોધ્યા હોય એને મુલવતાં રહેતાં હોઇએ છીએ.
કેમ? તો કે, ટાઇમ પાસ!
હું લખીને ટાઇમ પાસ કરું છું, કોઇકે પૈસા જેવુ કંઇક બનાવીને એનો ટાઇમ પાસ કર્યો હતો, રોજર ટેનીસ રમીને એનો ટાઇમ પાસ કરે છે, પેલા કાકા બિનવારસી લાશો ઠેકાણે પાડીને એમનો ટાઇમ પાસ કરે છે, ડોનાલ્ડ મોટી-મોટી કરીને એનો ટાઇમપાસ કરે છે, માઇકલે અને નીલે મૂન વોક કરી, વાલ્મિકીજીએ અને ગાંધીજીએ ચોરી કરી અને ચોપડી લખી, કુંભારે માટલા ઘડ્યા, પેલાઓએ ગળા કાપ્યા, પેલાએ ગધા વૈતરું જ કર્યું, પેલોએ ગામ આખાનું ‘ખાધું’, રમેશ મહેતાએ સૌને હસાવ્યા, અહીં ચોકમાં વાણંદકાકા દાઢી કરતાં-કરતાં જ નીકળી ગયા……
આપણે જે વિચારીએ છીએ, જે જોઇએ છીએ, એનાં પરથી જે તારવીએ છીએ, જે ચાળીએ છીએ, જે ગાળીએ છીએ, જે મૂલવીએ છીએ, જે ધારીએ છીએ, જે માનીએ છીએ, જે અનુભવીએ છીએ…એ બધુ ‘આપણે’ કરીએ છે. આપણે. બીજું કોઇ નહીં.
મને નથી ખબર કે ક્યાંની વાત ક્યાં ગઇ પણ આ ‘હું’ વિચારતો હતો, લખતો હતો. હું. બીજું કોઇ નહીં.