ભેદી

વ્યાન અને એનાં વાંકળીયા વાળ

આમ તો હું એની બહેન છું પણ મને પહેલેથી જ એણે એની દોસ્ત જ માની છે, જો
કે મેં પણ એની વાત સીરીયસલી લીધી હોત અને ખુદની બેફામ ઇચ્છા કરતાં બીજાની બીકને
પોતાનાં હાવી ન થવા દીધી હોત તો આજે એની આ ચિઠ્ઠીઓ વાંચવા કરતાં હું પણ એની સાથે
ત્યાં હોત જ્યાં અત્યારે એ છે.
‘ડિમ્પલ તને કહું, આ ‘કેવ ડાયવિંગ’નો એક્સપિરીયન્સ તો ‘બંજી જમ્પીંગ’ને
પણ ટક્કર મારે એવો નિકળ્યો’, ‘અને ડિમ્પલ આ સાલ્લાઓ ‘ઓપન સી સ્કૂબા, ઓપન સી સ્કૂબા
બોલી-બોલીને મારા દિકરાઓ સાવ લૂટે જ છે હોં, એ ચપોચપ રબરનો જોકર ડ્રેસ પહેરીને,
કમર પર વજન અને વાંસે બાંધેલા એ બાટલામાંથી નળીઓ મોંઢામાં ખોંસવા કરતાં તો પેલા
છિછરા, ટ્રાંસફરન્ટ પાણીમાં લૂઝ કેપ્રી પહેરીને સ્નોકલીંગ કરવાની વધું મજા આવે’, ‘અરે
ડિમ્પી! ત્યાં પ્લેનનાં અધખૂલ્લા બારણાને પકડેલા હાથની છેલ્લી આંગળી જ્યારે બારણાની
કોર પરથી લપસે અને ત્યાં 13,000 ફૂટની ઉંચાઇ પરથી ફક્ત એક મોટી ઘડી કરેલી કોથળી કે
જેને આ બધા પેરેશૂટ-પેરેશૂટ કરતાં ફરતાં હોય છે એનાં ભરોસે નીચે કૂદી પડો ત્યારે તારા
હાર્ટ બીટ પેલાં હમીંગબર્ડનાં 1200 બીટ/મીનીટની રેસમાં ઉતરી જાય છે અને તારા
ગલોફામાં એટલી હવા ભરાતી હોય કે તારા ગાલનાં આકારો એની જાતે ફરતાં રહેતા હોય અને અંદર
સતત એટલી હવા જતી હોય કે અંદરથી કશુંજ બહાર આવી શકે એમ ન હોય છતાં તારી ચીસો,
બૂમો, રાડો બંધ થવાની નામ ન લેતી હોય બરાબર ત્યારે જ તું નીચેનો નજારો જુએ અને
ફટાક…તારી હાર્ટ બીટ 1200 માંથી ઘટીને દરીયાની કોઇ વ્હેલ જેટલા 12-15 બીટ/મીનીટ
થઇ જાય’, ‘તું અત્યારે મને જુએને ડિમ્પુડી તો તું, ‘ભૈલા, તું છેલ્લા છ વર્ષથી છો
ક્યાં?, આમ-તેમ’ એ બધું પૂછતાં પહેલા દોડીને મને મારવા જ લાગ કે ‘અલ્યા, પાર્થયા હવે
તને અમે જાડીયો-જાડીયો કહીને કેમ ચીડવશું?, તારી ચરબી કઇ ગાય ખાય ગઇ?’
પાર્થની મારી પર આવી છૂટી-છવાયી બીજી પણ ચિઠ્ઠીઓ આવી, એ ક્યાં ફર્યો,
એણે શું જોયું, એને શું ગમ્યું- શું ન ગમ્યું, કોણ મળ્યું, ક્યાંથી-કેમ કમાયો,
ક્યાં વાપરવાનો પ્લાન છે વગેરે-વગેરેની વાતો લખતો, જે આમ પણ જો એ મારી સાથે ન શેર
કરે તો એને ચાલે એમ ન હતું, અમે બન્ને ભલે કાકા-અદાનાં ભાઇ-બહેન હોય પણ અમારા
વચ્ચે પહેલેથી સગા ભાઇ-બહેન કરતાં પણ વધારે બનતું, બધાને ખબર હોય કે ડિમ્પલ અને
પાર્થ હંમેશા સાથે જ હોય પછી એ ગોલમાલ કરવામાં હોય કે કંઇ ડખો કરવામાં હોય કેમ કે
અમે બન્ને સાથે હોય અને કંઇ સારું કર્યું હોય એવું મને તો યાદ નથી અમે હંમેશા ધમાલ
જ કરતાં.
ઘરનાં તો કોઇએ નહીં પણ મેં પણ પાર્થ સાથે છેલ્લા છ વર્ષથી વાત નથી કરી
કે એને જોયો નથી, બસ એણે મને આ ચિઠ્ઠીઓ મોકલાવી એ જ. એને અને મને પહેલેથી જ
નવી-નવી જગ્યાએ જવાનો, કંઇક ને કંઇક નવું-નવું કરતા રહેવાનો શોખ હતો, એમાં વળી એક
દિવસ એણે ક્યાંકથી જાણ્યું કે જૂનાગઢમાં મહાશિવરાત્રીનાં મેળામાં જમાવટ હોય, જબરદસ્ત
અનુભવ છે, એક વખત તો લેવા જેવો જ. બસ થઇ રહ્યું.
એણે મને કીધું, અમે ઘરે પૂછ્યું, એક તો આમ પણ વારંવાર અમારા બન્નેના
આવા તૂત(અમારા એડવેન્ચરને ઘરનાં આ નામે ઓળખતાં)થી એ લોકો પરેશાન જ રહેતાં એમાં પણ
આવી વિચિત્ર અને જોખમી માંગણીને ઘરનાંઓએ જબરદસ્ત દાબી દીધી અને ઉલ્ટાનું પાછળની
આપેલી પરમીશનનું પણ સાટું વાળતા હોય એમ હવે પછી ક્યારેય આવી કોઇ જ જાતની માંગણીઓ
કરવા પર પણ રોક લગાવી દીધી.
પાર્થે પ્લાન બનાવ્યો, મને સાથે માની લીધી પણ આ વખતે મને શું સૂઝ્યું
કે મેં એને ના પાડી અને એ એની એ ખીજમાં વધું છંછેડાયો અને પછી એ છ વર્ષ પહેલાની
મહાશિવરાત્રીનાં બે દિવસ અગાઉ મેં એને જોયો એ જોયો પછી આજ સુધી નથી જોયો કે એની
સાથે વાત કરી.
એ અને હું બંને સરખા સ્વભાવનાં એટલે એમ તો બે માંથી એકેય એમ ઢીલ તો ન
મૂકીએ, એનાં ગયા પછી ઘણી-ઘણી બબાલ થઇ ઘરમાં, ઘણા ચક્રો ગતિમાન થયા, મારી પણ ઘણી
તપાસ અને ઉલટ તપાસ થઇ પણ મેં પાર્થ વિશે કંઇ ખબર ન હોવાનાં ગાણા ગાયે રાખ્યા પણ
જેમ-જેમ સમય વિતતો ગયો એમ મને અંદર કંઇક-કંઇક થવા લાગ્યું, ત્યાં પેલી બાજુ મારાથી
ખીજાયેલો પાર્થ મારી સાથે ફરી ક્યારેય ન બોલવાનું કહી ગયેલો અને હવે ફરીથી મારી
સાથે વાતો કેમ કરવી એમાં મૂંજાયેલો અને ‘મારા એ એક ખોટાથી ક્યાંક પાર્થ કોઇ
પ્રોબલેમમાં તો નહીં ફસાયો હોય ને?’ ના વિચારોમાં આ બાજું હું ગૂંગળાતી…
એમાં જ અચાનક મારી એક ફ્રેન્ડ પર મારા નામની એક્ ચિઠ્ઠી આવી એ પાર્થની
પહેલી ચિઠ્ઠી પછી અમારી એ ભેગી થયેલી વાતોનાં દોરને કોઇ થોડું રોકી શકે એમ હતું.
એની વાતોથી હું પણ એની હાલત વિશે નિશ્ચિંત થઇ ગઇ હતી એટલે ફરીથી મેં ઘરે આ વિશે
કંઇ જ ન કહ્યું.
જો કે હું એને કંઇ કહી શકું કે રીપ્લાય કરી શકું એવું કંઇ એ રાખતો જ
નહીં, એણે શું કર્યું અને શું કરવાની ઇચ્છા છે એ જ લખતો, એ ક્યારેય એમ ન લખતો કે એ
અત્યારે ક્યાં છે, અત્યારે શું કરે છે અને એની ચિઠ્ઠી પરની તારીખો પણ મને એ ચિઠ્ઠી
મળ્યા પહેલા એકાદ-બે મહિના પહેલાની રહેતી એટલે ખરેખર એ ચિઠ્ઠીઓ ક્યારે લખાય છે અને
મારા સુધી કેમ પહોંચી છે એ હું નક્કી ન કરી શકતી પણ ધીમે-ધીમે મેં આ બધું વિચારવાનું
મૂકીને એની વાતો પર જ વધારે ધ્યાન આપવા લાગ્યું, એણે મને શરૂઆતની ચિઠ્ઠીમાં જ કહેલું
કે ઘરે એનાં વિશે કંઇ જ વાત ન કરવી એટલે ક્યારેક ઘરમાં એવું વાતાવરણ હોય કે મને
બિલકુલ હોંઠ સુધી આવી જાય કે, ‘ પાર્થને કંઇ નથી થયું એ બિલકુલ ઠીક છે’ છતાં હું
કંઇ બોલી ન શકતી.
પેલું કે’છે ને બધા દર્દની દવા સમય છે એમ ધીરે-ધીરે બધું થાળે પડવા
લાગ્યું. મને એની ચિઠ્ઠીઓ એકાદ-એકાદ મહિને મળ્યે રાખતી. મને વચ્ચે ઘણી વખત પાર્થ
પર એટલો ગુસ્સો આવતો કે, એને બીજાઓની, એનાં ઘરનાંની, મારી જરા પણ નથી પડી, એ
બિલકુલ સ્વાર્થી માણસ છે, તો વળી ક્યારેક એમ થતું કે, પોતાની ઇચ્છાને બીજા પર
થોપીને એમની ઇચ્છાઓને ઘોટી દેવી એ ક્યાંની સારી વસ્તું છે?, પાર્થતો બસ પોતાને
ગમતું કરે છે, એ ક્યાં કોઇને પરેશાન કરે છે, જો તમારે જ બીજાનાં તમને કંઇ જ ન કર્યે
પણ એમનાંથી પરેશાન રહેવું હોય તો એમાં બીજો માણસ શું કરે?
અમે બન્ને ભલે એકબીજાથી દૂર હોય પણ હતાં અમે બન્ને એક જેવાં જ એટલે
એની ચિઠ્ઠીઓની વાતો પરથી જણાતું કે એનું મગજ પણ મારા મગજની જેમ ઝોકાઓ ખાતું
ક્યારેક એને બધું જ ગમતું તો ક્યારેક એને બધાથી ચીડ ચડતી, ક્યારેક એને બધું
હર્યું-ભર્યું લાગતું તો ક્યારેક એને બધું સાવ જ ખાલી લાગતું. પણ એટલું ખરું કે
ક્યારેય મને એવું ન લાગ્યું કે એને ઘરેથી જવાનો કોઇ પસ્તાવો હોય.
વધું સમય વિત્યો, એની વાતોનો ગ્રાફ હવે ચડતો-પડતો બંધ થઇ ગયો, એમાં
એકલયતાં આવી ગઇ હતી, એમાં એ ક્યાં હતો, એણે શું-શું કર્યું એનાં કરતાં, શું-શું સૂંઘ્યું,
શું-શું અનુભવ્યું એનું ઝિણવટભર્યું વર્ણન કરવા લાગ્યો હતો એ, એનાં પરફ્યુમ મેકીંગ
અને કારપેન્ટરીનાં નવા શોખ વિશેનાં એનાં ઉંડાણ પૂર્વકનાં સર્ચનું કંઇક-કંઇક લખતો
રહેતો. એનાં અને મારા ટ્યુનીંગને લીધે મારામાં પણ મેં બદલાવને માર્ક કર્યો હતો,
મેં હવે સીચુએશન, પર્શન, થીંગ્ઝને જજ કરવાનું છોડી દીધું હતું, મેં પરસેપ્શન
બાંધવાનું મૂકી દીધું હતું. હું જે કંઇ પણ મારા સુધી આવતું એને એનાં મૂળ રૂપે જ
મારા સુધી આવવા દેતી, એને સ્વીકારતી. એમાં મારા મગજનાં ડાયમેન્શન એડ ન કરતી અને
મેં શું નોટીસ કર્યું? આમ કરવાથી હું વધારે સહેલાયથી એને હેન્ડલ કરી શકતી, એને
ટેકલ કરી શકતી. ખબર નહીં કેમ પણ આવું થતું હતું એ એટલી જ સાચી વાત હતી.
ધીમે-ધીમે પાર્થની ચિઠ્ઠીમાંથી પેલા અહીં-તહીંનાં સ્ટંટની વાતો બિલકુલ
બંધ થઇ ગઇ, એ એનાં અજમાવેલા માર્બલ કારવીંગ, શૂ મેકીંગ, ફ્રેસ્કો પ્રીઝર્વીગ,
બ્યુટી પાર્લર, પેટ્રોલ પંપ, ડોર ટુ ડોર મોજા સેલીગ, ઇલેક્ટ્રીકની દુકાનની નોકરી
જેવા અનુભવો વિશે વાત કરતો, પણ આ વાતોમાં પણ એનો ઉત્સાહ પેલાં સ્કીઇંગ અને ક્લીફ
ડાયવીંગની વાતોમાં હતો એવો જ હતો.
મેં તો ક્યારનુંયે કંઇ જ જજ કરવાનું છોડી દીધું હતું એટલે એમ કે જે,
જ્યારે, જેવી રીતે સામે આવે એમ એની સામે થઇ જવાનું એટલે હવે હું એની આવી બધી વાતોનાં
જુદા-જુદા અર્થો કાઢવાનું બંધ કરી ચૂકી હતી. મને બસ એની વાતો વાંચવાથી અજીબ સંતોષની
લાગણી થતી.
હમણાં બે-ત્રણ મહિનાઓથી એની ચિઠ્ઠી નો’તી આવી. આવું બનતું હોય છે,
વચ્ચે ક્યાંક સલવાય ગઇ હોય કે પછી એને જ કંઇ લખવાની ઇચ્છા ન થઇ હોય પણ વહેલી-મોડી
ચિઠ્ઠી આવતી, આ વખતે પણ આવી, આ વખતે એમાં એણે કંઇક એવી વાત લખી હતી કે મને એ
વાંચીને વધારી અજીબ સંતોષ થયો, દર વખતની જેમ આ વખતે પણ, ખબર નહીં એવું શા માટે? બસ
થયો.
એન્વેલોપમાંથી ચિઠ્ઠી કાઢી ત્યારે જ, કાગળની ઘડી ખોલતાં પહેલાં જ હેંડ
રાઇટીંગનાં કાગળની પાછળની બાજુંએ ઉપસી આવીલા વઢ પરથી મને લાગ્યું કે કાગળમાં માત્ર
ચાર લીટી જ લખી હતી,
‘ઘણા-ઘણા વખતથી ઇચ્છા થયેલી, ડિમ્પુડી. છેક આજે હવે એને પૂરી કરવાનો
વખત આવ્યો બોલ! જિંદગીને તો યાર ઘણી માણી અને હવે ઘણું-ઘણું વાચ્યા પછી અને સા.બુ.
લગાડ્યા પછી એમ લાગે છે કે છેલ્લે જે હોય છે એ હંમેશા વધારે ઇન્ટ્રેસ્ટીંગ હોય છે
તો જિંદગીની છેલ્લે શું હોય છે? મોત..હે ને?! તો હવે જો જિંદગી આટલી ફુલ ફટ્ટાક
હોય તો એનાં અંતમાં આવતી મોતતો ન જાણ કેવીયે ટનાટન હશે! હવે તો સાલ્લી રાહ નથી
જોવાતી..’
એ ચિઠ્ઠીને પણ આજે સવા વર્ષ થવા આવ્યું, પાર્થની કોઇ ચિઠ્ઠી કે સમાચાર
નથી. મને યાદ છે કે, એ ચિઠ્ઠી વાંચીને મારા હોઠો પર જરાક અમસ્તો મરકાટ આવેલો, અગેઇન,
ખબર નહીં કેમ..
હમણા એકાદ મહિના પહેલા જ્યારે વેકેશનમાં હરીદ્વાર, રીશીકેશ ફરવા
જવાનું થયું ત્યારે લક્ષમણ જુલા પર ત્યાંની બધી ઇતિહાસ-ભૂગોળ સમજાવતાં-સમજાવતાં
ગાઇડે એકાદ વર્ષ પહેલા ત્યાં બનેલો એક કિસ્સો કહ્યો કે એણે ખૂદે જોયું કે એ વર્ષ
પહેલાંનાં શિયાળાની સાંજે સૂરજ ઢળતો હતો ત્યારે ક્યાંકથી એક હસતો-ગાતો, સરસ મજાનાં
કપડા પહેરેલો, સારા ઘરનો લાગતો એક જુવાનીયો આવ્યો અને બસ જુલાની રેલીંગ ઓળંગી, આજુબાજુનાં
કોઇને ખબર પડે એ પહેલા સીધો જ નીચે નદીમાં કૂદી ગયો, ચોમાસામાં પડેલા વરસાદથી ગંગા
પણ લમક-ઝમક વહ્યે જતી હતી, એ પણ ગંગાની સાથે-સાથે જાણે કે દૂરનાં પેલાં ઢળતાં
સૂરજનાં પીળામાંથી કેસરી થતાં જતાં પ્રકાશમાં ઓગળતો ગયો.
મને કોઇક યાદ આવી ગયું, એ મને બોલાવવાં પાછા આવ્યા ત્યારે મને ખબર પડી
કે હું રેલીંગ પર મારા હાથ વચ્ચે, હડપચી ટેકવીને દૂર ગંગાનાં આકાશનાં મળવાની
જગ્યાએ કોણ જાણે ક્યારનુંયે જોયે રાખતી હતી કે એ આખું ટોળું મારાથી ક્યાંય આગળ
જતું રહ્યું હતું, પછી હું પણ એમની પાસેથી વ્યાનને પોતાની કાંખમાં ઉંચકીને, એની
આંખ આડે આવી ગયેલાં લાંબા, વાંકળીયા વાળને દૂર ખસેડી ત્યાંથી ટોળા બાજુ ચાલવા
લાગી.