જરા ટેઢું

Walk in or Walk out

રેંગો મુવીમાં એક ડાયલોગ હતો, સ્પીરીટ ઑફ ધ વેસ્ટ પાત્ર બોલે છે, ‘No man can walk out on his own story.’ પણ જો આના પર વિચારીએ તો લાગે કે,
તારી-મારી-આપણી લાઇફની, આપણી સાથેનાં લોકોની આપણી સાથે વણાયેલી જે કાંઇ પણ સ્ટોરી
છે એ ખરેખર બની કેવી રીતે છે? એને બનાવી કોણે છે? આપણે એ સ્ટોરીમાં ક્યાં ફીટ
બેસીએ છીએ? અત્યાર સુધીનો એ સ્ટોરીનો આપણો રોલ શું હતો? શું આપણે એ રોલ બરાબર
નિભાવ્યો? આ સ્ટોરીમાં, ભવિષ્યમાં આપણે બીજા કોઇ રોલ કરવાનાં છે? સ્ટોરી એકલાની તો
ન હોય! તો પછી આપણી સ્ટોરીનાં બીજા પાત્રોનું શું? એની અને આપણી વચ્ચેનું શું? આવા
ઢગલાબંધ સવાલો થઇ શકે. પણ હજી જરાક વિચારીશ તો હજું એક સવાલ ઉભો થશે; આ સવાલોનાં
જવાબ ક્યાંથી મેળવવા?
જવાબ- આપણી પોતાની સ્ટોરીમાંથી બહાર નીકળીને.
રંગોળીનાં એ એકાદા રંગને ક્યારેય નહીં ખબર પડે કે
એનાં ઉમેરાવાથી રંગોળી કેવી નિખરી કે પછી કેવી બગડી છે, એ તો રંગોળીને બહારથી
જોનારા આપણા જેવાઓને જ ખબર પડશે.
ઘણીવખત જ્યારે હું મારા કામ રીલેટેડ જવાબો શોધવા
માટે નેટમાં સર્ચ કરતો હોઉં ત્યારે મને ઘણી વખત એવું વાંચવા મળી જાય કે, મને મારા
સવાલનો આ જવાબ મળ્યો, કદાચ તમારા આના જેવા જ સવાલનો જવાબ બીજો કોઇ પણ હોઇ શકે, આ
જવાબ મારા માટે સાચો હતો, તમારા પર લાગું પાડવો કે નહીં અને જો લાગું પાડો તો એનું
જે કંઇ રીઝલ્ટ આવે એ આપનાં પોતાનાં પર રહેશે, મારી કોઇ જવાબદારી નહીં.
તો પોતાની સ્ટોરીમાંથી બહાર નીકળીને જવાબો
શોધવાની વાતનું પણ કંઇક એવું જ છે; મારી જવાબદારી નહીં! ઑફકોર્સ વધતા-ઓછા
પ્રમાણમાં રિસ્ક ફેક્ટર છે. કપડા, રહેણી-કરણી, ભાષા, આદત, દોસ્તો આ બધું બદલવું
હજું પણ સહેલું હશે પણ વિચારસરણી બદલવી એ થોડી અઘરી વસ્તું છે, અને જો તમારી
બીજાની સ્ટોરીમાં દાખલ થવું હશે તો તમારે તમારી વિચારસરણી બદલવી પડશે, વસ્તુંને-પરિસ્થિતિને-વ્યક્તિને
એમનાં નજરીયાથી જોવા પડશે, તમારા પોતાના કોઇ પણ વિચારનાં ઇન્ટરફિયરન્સ વિના, અઘરું
છે.
પણ જો હજું એનાથી પણ થોડા અઘરાની વાત કરીએ તો એ
હશે, એ સ્ટોરીમાં ફીટ થયા પછી તમારી પોતાની સ્ટોરી પર નજર નાખવી, એ સ્ટોરીનાં
તમારા પાત્ર પર નજર નાખવી અને પહેલાં ઉભા થયેલા સવાલોનાં જવાબ શોધવાની કોશીષ કરવી.
અને ત્રીજું અને સૌથી અઘરું જો કોઇ સ્ટેપ હશે તો
પાછા તમારી સ્ટોરીમાં, તમારા પોતાનાં પાત્ર સ્વરૂપે પાછા ફરવું અને એ પણ પહેલાની
સ્ટોરીનાં એ પહેલાનાં પાત્રનાં કોઇ પણ ઇન્ફ્લુએન્સ વિના. કેમકે નહીં તો પછી સૌથી
મોટી ગડબડ ઉભી થશે. અને એ હશે; બંને સ્ટોરીનાં બંને પાત્રોની તમારી દિલો-દિમાગ
પરની પકડ અને એનાથી ઉભું થશે કન્ફ્યુઝન; તારી સામે થયેલી કોઇપણ એક્શન માટે તારી
પાસે એકથી વધારે રીએક્શન કરવા માટેનાં રસ્તાઓ મળશે જે તને વધુંને વધું મૂંઝવશે.
પણ હજી તો આ બસ શરૂઆત છે કેમ કે હજી તો હું આ એક
સ્ટોરીમાંથી પાછા ફર્યા પછીની પોસીબલ મન: સ્થિતિની વાત કરું છું અને આવી તો અગણિત
સ્ટોરીઓ હોઇ શકે, કેમ કે જેટલાં માણસ એટલી વિચારસરણી અને એટલી જ સ્ટોરીઓ. ઓબામાની
સ્ટોરી છે, ઓસામાની સ્ટોરી હતી, બાજુવાળા માસીની સ્ટોરી છે, પેલી બસ સ્ટેન્ડવાળી
ક્યુટ ગર્લની સ્ટોરી છે, હંમેશા ચિડાયેલા રહેતાં કરીયાણાની દુકાનવાળા કાકાની
સ્ટોરી છે, એની દુકાન બહાર ઝાડ નીચે ચપ્પ્લ સીવતાં મોચીની સ્ટોરી છે, જાણીતા-અજાણતાં
બધા જ ફેસબુક ‘ફ્રેંડ્ઝ’ ની પણ પોતાની સ્ટોરી છે.
તો હવે તારા પર છે કે; Walk in or Walk out